દેવલ જાદવ (મેરાન્યૂઝ.વડોદરા): આપણાં દેશમાં મૃત્યુ બાદ દેહદાન કરવા માટે લોકો મોટા ભાગે અચકાતા હોય છે. મૃત્યુ બાદ સામન્ય સમાજમાં અંતિમસંસ્કાર માટે એક અલગ જગ્યા છે. ત્યારે વડોદરામાં એક પિતાની ઈચ્છા અનુસાર એક પુત્રએ પિતાના અવસાન બાદ મેડિકલ કોલેજમાં પિતાનું દેહદાન કર્યું છે. સામાન્ય રીતે લોકો મૃત્યુ પછી અંગદાન કરવામાં પણ અચકાતા હોય છે ત્યારે તમામ અંધશ્રદ્ધા તોડીને એક પુત્રએ પિતાનું દેહદાન કર્યું તે સમાજના લોકો માટે ઉમદા ઉદાહરણ છે મૃત્યુ પછી પણ લોકો માટે ઉપયોગી થવા માટે.

છોટાઉદેપુરમાં મણિયાર ફળિયામાં રહેતા નાનુભાઈ બારીયા તાલુકા શાળામાં શિક્ષક હતા. તેમની ઉંમર ૮૪ વર્ષ છે. નિવૃત થયા બાદ પોતાનું જીવન શાંતિમય રીતે પસાર કરતા હતા. તેમને ત્રણ પુત્રો છે અને તમામ પરણિત છે. થોડા વર્ષો અગાઉ ૨૦૧૫માં નાનુભાઈએ કોઈ છાપામાં દેહદાન અંગે વાંચ્યું હતું ત્યાર બાદ તેમણે પણ નક્કી કર્યું હતું કે અવસાન બાદ પોતાનો મૃતદેહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દાન કરશે. જેના માટે ૨૦૧૯માં તેમણે સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજમાં દેહદાન કરવા માટે ફોર્મ ભર્યું હતું.

Advertisement


 

 

 

 

 

ત્યાર બાદ ૨૦૨૧માં તેમનું કુદરતી અવસાન થયું અને નાનુભાઈની ઈચ્છા અનુસાર તેમના પુત્રએ પિતાનો મૃતદેહ  મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન આપ્યો. સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાંથી અંગદાન અને દેહદાન કરવામાં આવે તે સહજ બાબત છે પણ ગ્રામ્ય વિસ્તાર તેમાં પણ છોટાઉદેપુર જેવા અંતરિયાળ વિસ્તાર માંથી કોઈ વ્યક્તિ આવી રીતે દેહદાન કરે તેવી ઘટના જૂજ પ્રમાણમાં જોવા મળતી હોય છે.

પિતાનું દેહદાન કર્યા બાદ તેમના પુત્ર હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, " મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે માર પિતાની ઈચ્છા હતી કે તેમનો મૃતદેહ કોલેજને દાન કરવમાં આવે. જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે અમે તેમનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો અને સયાજી હોસ્પિટલ મેડિકલ કોલેજમાં દેહદાનની પ્રક્રિયા કરી હતી. ત્યાર બાદ એનાટોમી વિભાગના વડા ડૉ. વી.એચ. વાણીયા સહિત તમામ તબીબો અને વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન પાળીને મારા પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ડૉ. વી.એચ. વાણિયાએ પરિવારના દેહદનના આ નિર્ણયને બિરદાવ્યો હતો."