મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ રાજકોટમાં નોનવેજ અને ઈંડાની લારીઓને જાહેર રસ્તા પરથી હટાવ્યા બાદ વડોદરામાં પણ જાહેરમાં નોનવેજ અને ઈંડા વેચતા લોકોને ઢાંકીને ધંધો કરવા તંત્ર દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે. ત્યારે આ નિર્ણયને અમુક લોકો વધાવી રહ્યા છે તો બીજો વર્ગ આ નિર્ણયથી નારાજ છે. ત્યારે આજે રાજ્યના મહેસૂલ મંત્રીએ આ બાબતે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. તેમણે આ ઉપરાંત અરવલ્લીના મોડાસાના મયંક પટેલ (SDM) કે જે મહિલા અધિકારીના અશ્લિલ ફોટોઝને શેર કરતા હતા તેમના સંદર્ભે પણ તેમણે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આવી કોઈ હરકત ગુજરાતમાં સાંખી લેવાશે નહીં. તેમણે આ ઉપરાંત પણ સુરતમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં ઝડપી ન્યાયની કાર્યવાહી કરવા બદલ ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની પીઠ થાબડતા શબ્દો કહ્યા હતા. 

વડોદરામાં જાહેર રસ્તાઓ ઉપર લારી કે દુકાનમાં મટન, મચ્છી લટકાવી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇનો પણ અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓ માટે છે. એના પર હક ન જમાવવો જોઇએ. એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ જ છે. એ જગ્યા પર વેજ કે નોન વેજની લારી ન ઊભી રહી શકે. તેને ઉપાડી જ લેવી પડે, વેજ - નોનવેજ જાહેરમાં બનતું હોય છે, જેના કારણે તેનો ધૂમાડો ઉડતો હોય છે. તે રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, તેને અટકાવવું જ પડશે. હું આ નિર્ણય બદલ રાજકોટ અને વડોદરાના મેયરને અભિનંદન આપું છું. ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. આ પહેલા કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રસ્તા પર લારી ઊભી ઈંડા અને નોનવેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે. વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહીં કરવા માટે મહાનગરપાલિકાના પગલાની પ્રશંસા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી. 

Advertisement


 

 

 

 

 

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે જણાવ્યું હતું કે , ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.

વડોદરામાં નોનવેજ અને ઇંડાની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ આજથી શહેરમાં 3 હજાર જેટલી નોનવેજ અને ઇંડાની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. નોનવેજનો ધંધો કરનારા જાહેરમાં નોનવેજ લટકાવી શકાશે નહીં, તેને ઢાંકીને રાખવું પડશે. જો સૂચનાનો અમલ નહીં થાય તો લારી બંધ કરવા સુધીના પગલાં લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે નોનવેજની કેટલી લારીઓ છે તેની પાલિકાને ખબર જ નથી. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી પર આવી કોઈ વસ્તુઓ દેખાય નહીં અને ઢાંકેલી રહે તેવી સૂચના આપી છે.
 

Advertisement