પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.વડોદરા): સમગ્ર પશ્ચિમ ભારતમાં ખાસ કરીને પશ્ચિમ રેલવેમાં એક પણ એવો રેલવેનો કર્મચારી નહીં હોય કે જેમણે માહુરકર દાદાનું નામ સાંભળ્યું નહીં હોય. લોકોને સારી સેવા મળે અને કર્મચારીઓને પોતાનો અધિકાર મળે તે માટે આજીવન લડતા રહેલા માહુરકર દાદાને ગઈ રાત્રે એક વાગ્યાના સુમારે છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી માહુરકર દાદાના પરિવારે પશ્ચિમ રેલવેના યુનિયન લીડર શરીફ ખાનને જાણ કરતાં તેઓ માહુરકર દાદાની મદદે આવ્યા. શરીફખાન પોતાની કારમાં માહુરકર દાદાને લઈને વડોદરાની ટ્રાય કલર હોસ્પિટલ ખાતે પહોંચ્યા. પશ્ચિમ રેલવે અને ટ્રાય કલર હોસ્પિટલ વચ્ચે એમઓયુ થયું હોવાને કારણે રેલવેના કર્મચારીઓને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શરીફ ખાન પોતાની કારમાં મોડી રાત્રે ટ્રાય કલર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે માહુરકર દાદાની સ્થિતિ વિકટ હતી. આથી તેમણે ફરજ પરના ડોક્ટરને બહાર આવવાની વિનંતી કરી હતી પરંતુ પોતાની ચેમ્બરમાં બેઠેલા તબીબોએ પહેલા કોરોના ટેસ્ટ કરાવી આવો પછી જ સારવાર કરીશું તેવો જવાબ આપ્યો હતો. આ રકઝકમાં 40 મીનિટનો સમય પસાર થયો હતો. આખરે ડોક્ટર બહાર આવ્યા અને તેમને સારવાર માટે દવાખાનાની અંદર લઈ જવામાં આવ્યા પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચુક્યું હતું. માહુરકરના પરિવારે જ નહીં પણ પશ્ચિમ ભારતના રેલવે કર્મચારીઓએ ડોક્ટરના અમાનવીય વ્યવહારને કારણે એક ઉત્તમ માણસ અને એક મજુર નેતા ગુમાવ્યો હતો.