મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ આર છોવાળા દ્વારા લાંચ લેવાતા એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. લક્ષ્મીપુલા પોલીસ સ્ટેશનનો આ પીએસઆઈ આરોપીને રિમાન્ડ દરમિયાન ન મારવાના રૂ. 35 હજાર માગી રહ્યો હતો.

બાબત એવી હતી કે, પીએસઆઈ છોવાળા દ્વારા જેમની પાસે કટકી માગવામાં આવી તે ફરિયાદીના ભાઈની લક્ષ્મીપુરા પોલીસ મથકે ધરપકડ થયેલી છે. જેથી ફરિયાદીએ તેમના ભાઈને રિમાન્ડ દરમિયાન માર નહીં મારવાના અને ગુનામાં તેને મુખ્ય આરોપી નહીં બનાવવા માટે પીએસઆઈએ રૂ. 35,000 માગ્યા હતા. લાંચની રકમ ફરિયાદી આપવા ન માગતા હોવાથી તેમણે તુરંત વડોદરા એસીબીનો સંપર્ક કરી સધળી વાત કરી હતી.

 

 

જેથી આ અંગે સુપરવિઝન અધિકારી ડી પી ચુડાસમા અને પીઆઈ એસપી કહાર સહિતના સ્ટાફે તેમની ફરિયાદ આધારે એસીબીએ બુધવારે લાંચ આપવા માટેનું એક છટકું ગોઠવ્યું જેમાં પીએસઆઈએ લાંચની રકમ તેના ભાઈને સોંપી દેવાનું કહ્યું હતું અને લાંચના રૂ.35000ની માગણી કરી સ્વીકારી હતી જેથી તેઓ પકડાઈ ગયા હતા.