મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાની બીજી લહેર આવી ત્યારે તેની ભયાનકતા સમજી ગયેલા ઘણા લોકો પોતાનાથી થાય તેટલા પ્રયત્નો કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે કારણ કે હાલ ભલે કોરોનાના આંકડા ઘટ્યા છે પરંતુ કોરોના નાબુદ થયો નથી ત્યારે વડોદરાના વરાસિયાના PI કે એન લાઠિયા પણ આવો જ એક નાનકડો પરંતુ સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે.

પોલીસે શુક્રવારથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિરોમાં જઈ જનજાગૃતિનું અભિયાન શરુ કર્યું છે. આ દરમિયાન પીઆઈ મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ સહિતના ધર્મસ્થાનો પર જઈ લોકો સાતે આરતી અને વિવિધ કાર્યોમાં જોડાય છે અને તેમને આ વિધિઓ અને કામો વખતે સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાની સમજાવટ કરે છે. પોલીસનો હેતુ એ છે કે ધાર્મિક છૂટછાટોને કારણે લોકોમાં સંક્રમણ ન ફેલાય અને લોકો પોતાના સામાન્ય જીવનમાં આ બાબતને વણી લઈ પોતાને અને અન્યોને પણ સંક્રમણથી બચાવે. ઉલ્લેખનીય છે કે PI લાઠિયા અગાઉ સ્ટેટ વિજિલન્સ સ્કવોડ અને રાજકોટ પોલીસમાં ફરજ બજાવી ચુક્યા છે.

શુક્રવારે સાંજે આવી જ રીતે જ્યારે પહેલા પોલીસ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા જેવા ધર્મસ્થાનોમાં આવી ગઈ ત્યારે દર્શનાર્થીઓ ચોંકી ગયા હતા અને સમજી શક્યા ન્હોતા કે મંદિરમાં પોલીસ કેમ અચાનક આવી ગઈ, પરંતુ જ્યારે પોલીસે તેમની સમજાવટ કરી ત્યારે દરેકે તેમની કામગીરીની સરાહના કરી હતી.