મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સયમથી દારુ તો ઠીક પરંતુ તે સિવાયના અન્ય નશીલા પદાર્થો પણ બેફામ બન્યા છે. શહેરનું યુવાધન અને કિશોર વયની ઉંમરના શખ્સો તેના ઝપેટે ચઢ્યા છે. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આ સંદર્ભે કડક કાર્યવાહી હાથ ધરતાં શહેરમાં એક જ રાત્રે 10 અલગ અલગ સ્થાનો પર રેડ કરી હતી. પોલીસે એબોન કીટની મદદથી તપાસ કરી ગાંજાનું સેવન કરતાં 56 શખ્સોની સામે અટકાયતી પગલા લીધા હતા. પોલીસે આ બાદ આરોપીઓને મેડિકલ તપાસ માટે ખસેડી જરૂરી કાઉન્સેલિંગ પણ શરુ કર્યું છે. પકડાયેલા શખ્સોમાં 7 યુવતીઓ અને 7 સગીર વયના વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસનું કહેવું છે કે, શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ સ્થળોની સ્ક્રુટીની કરીને 10 ટીમ તૈયર કરી હતી જેમાં મહિલા પોલીસને પણ સ્થાન અપાયું હતું સાથે જ ડોગ સ્ક્વૉડને પણ તેમાં મદદ માટે સાથે રખાયું હતું. પોલીસે દરોડો કર્યો ત્યારે ગાંજાનું સેવન કરનાનરની ચકાસણી માટે એબોન કિટથી તપાસ કરી હતી. પોલીસે આ સંદર્ભે રાત્રે 8.30નો સમય નક્કી કર્યો હતો. પોલીસે રાત્રીના 8.30થી સવારે 5 વાગ્યા સુધી તેની કામગીરી કરી હતી. પોલીસે શહેરના સુભાષનગર ઝૂપડપટ્ટી, મનીષા ચોકડી, સોમા તળાવ હનુમાન ટેકરી, સુભાનપુરામાં સંતોષીનગર, વાસણા રોડ પાસે, કલ્યાણ પાર્ટીપ્લોટ આસપાસ, બિસ્ટ એન્ડ બાઈટ કેફે તેમજ સ્કૂલ પાસે ઈલોરા પાર્ક, પાણીગેટ દરવાજા પાસે, કલ્યાણ કેફે ફતેગંજ, અકોટાના ડી-માર્ટ પાસે અને એચસીજી હોસ્પિટલ સન ફાર્મા રોડ પાસેના રસ્તાઓ પર તપાસ હાથ ધરી હતી જ્યાંથી આ 56 શખ્સો હાથે ચઢ્યા હતા. પોલીસે તેમની મેડિકલ તપાસ સહિતની કામગીરી હાથ ધરી હતી.