મેરાન્યૂઝ નેટવર્ક. વડોદરાઃ વડોદરાના પોલીસ કમિશનર મનોજ શશીધરને વડોદરાના પોલીસના સબ ઇન્સ્પેક્ટરથી લઈ ડેપ્યુટી પોલીસ  કમિશનર  સુધીના તમામ પોલીસ અધિકારીઓને રાતના એક વાગ્યા સુધી પોતાના પોલિસ સ્ટેશન વિસ્તારમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.

 પોલીસ કમિશનર મનોજ શશીધરને તમામ પોલીસ અધકારીઓને લિખિત આદેશ આપતા જણાવ્યું છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી લઈ ડીસીપી સુધીના તમામ અધિકારીએ રાતના એક વાગ્યા સુધી પોતાના વિસ્તારમાં હાજર રહેવું અને રાતના એક વાગે પોલીસ કંટ્રોલને જાણ કર્યા બાદ વિસ્તાર છોડવાનો રહેશે.

કમિશનરે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, જો કોઈ સબ ઇન્સ્પેક્ટરને આકસ્મિક કારણસર પોતાનો વિસ્તાર રાતના એક વાગ્યા પહેલા છોડવાની જરૂરિયાત ઊભી થાય તો જોઈન્ટ પોલીસ કમિશનરની મંજૂરી લેવી અને કોઈ ઇન્સ્પેક્ટરને  વિસ્તાર છોડવો હોય તો કમિશનરની મંજૂરી લેવી પડશે. આ  ઉપરાંત આસીસ્ટન્ટ અને ડેપ્યુટી કમિશનર્સએ પણ પોતાના તાબાના વિસ્તારમાં એક વાગ્યા સુધી હાજર રહેવું.

આ આદેશ બહાર પડવાનું કારણ એવું છે કે, તાજેતરમાં વડોદરામાં થયેલા કોમી તોફાન વખતે સંબંધિત પોલીસ સ્ટેશનનો  સ્ટાફને ઘટના સ્થળે પહોંચવામાં મોડું થઈ ગયું હતું, જ્યારે સિનિયર અધીકારીઓ ઘરેથી આવ્યા તેના કારણે સ્થિતિને નિયંત્રણમાં લેવામાં મોડું થયું હતું  આમ હાલના તબબકે વડોદરા પોલીસે 15 કલાક નોકરી કરવી પડશે.