મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરા ક્ષેત્રફળની દૃષ્ટીએ ભલે ગુજરાતના અન્ય મેગા સિટીઝ કરતાં નાનું છે પરંતુ અહીં ગુનાખોરીઓ ઓછી થતી નથી. અહીં રોજબરોજ પોલીસને ચોપડે કશું ને કશું તો થતું જ રહે છે. શુક્રવારની સવારે પણ એક વ્યક્તિ કે જે અહીં વડોદરામાં દાગીનાના માર્કેટિંગ માટે આવ્યા હતા. તેમની બેગમાં ચાર કિલો જેટલું સોનું હોવાનું કહેવાય છે. તે સોનું કોઈ તસ્કર ત્યારે ગાડીની ડેકીમાંથી ચોરી ગયો જ્યારે તેઓ કાર એક તરફ કરી ગલ્લા પર ગયા હતા. જોકે આ મામલે મેનેજર દ્વારા પોલીસને જાણ કરાઈ ન્હોતી પરંતુ બાદમાં મીડિયામાં આ મામલો ચગવા લાગ્યો ત્યારે પોલીસને જાણ થઈ હતી.

રાજકોટના વતની વિપુલ ધકાણ સોના-ચાંદીના ઝવેરાતો સાથે સંકળાયા વેપાર ધંધામાં છે. તેઓ દાગીનાના માક્રેટિંગના કામને લઈ થોડા દિવસથી વડોદરામાં પંચશિલ હોટલમાં રોકાયા હતા અહીં તેમણે પોતાના ધંધાઅર્થે ઘણા જ્વેલર્સ સાથે મુલાકાતો કરી હતી. તેઓ રાજકોટના વી રસીકલાલ ઝ્વેલર્સ તરીકે ધંધો કરતા હતા. સોનાની કુલ અંદાજીત માર્કેટ વેલ્યૂ પર નજર કરીએ તો 2 કરોડથી વધુની ચોરી માત્ર ગણતરીની મિનિટમાં થઈ ગઈ હતી.

Advertisement


 

 

 

 

 

શુક્રવારે સવારે વિપુલભાઈ, તેમનો સહકર્મચારી અને ડ્રાઈવર હોન્ડા સિટી કારમાં સોનાના દાગીના ડેકીમાં મુકી છાણી જકાતનાકા સર્કલ નજીક ગલ્લા પર પાન-મસાલા ખાવા ગયા. બસ હજુ થોડો જ સમય થયો હતો કે આ દરમિયાન ડ્રાઈવર સાઈડનો કાચ તોડી શખ્સોએ ડેકી ખોલી અને સોનાના દાગીનાનો થેલો તફડાવી ફરાર થઈ ગયા હતા. દરમિયાન લોકોએ બુમાબુમ કરતાં વિપુલ, કારનો ડ્રાઈવર અને તેમનો સહકર્મી ત્યાં દોડી આવ્યા સાથે જ અન્ય લારીવાળાઓ પણ દોડ્યા પરંતુ વીજળી વેગે બંને શખ્સો ત્યાંથી બાઈકવાળા સહઆરોપી સાથે બાઈક પર ફરાર થઈ ગયા હતા.

બંને પૈકીના એક શખ્સે મોંઢે બાંધેલું હતું અને અન્ય એક એ હેલમેટ પહેરેલું હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે. એસીપી દ્વારા આ ઘટનાને લઈ વિપુલ ધકાણની પુછપરછ કરી અને જાણ્યું તો ખબર પડી કે ડેકીમાં અંદાજે 4 કિલો સોનું હતું. જોકે વિચિત્ર વાત એ હતી કે સોનું ચોરી થયું, તસ્કરો લઈને ભાગ્યા આ વાત અહીં બધાના મોંઢે હતી પરંતુ વિપુલ અને તેની સાથેનાઓ પૈકી કોઈએ પોલીસને જાણ કેમ ન કરી અને પોલીસની તુરંત મદદ કેમ ન માગી. જોકે હવે પોલીસ આગામી કાર્યવાહીમાં શુ કરે છે તે જોવું રહ્યું.