મેરાન્યૂઝ નેટવર્ક. વડોદરા: બેન્ક ઓફ બરોડાના બોગસ કોલ લેટર બનાવી નોકરીવાંછુ અરજદારો પાસેથી રૂપિયા ત્રણથી ચાર લાખ પડાવી છેતરપિંડી કરતી ટોળકીનો વડોદરા SOGએ પર્દાફાશ કર્યો છે. આ ટોળકી ઓન લાઈન સોશિયલ મીડિયામાં બેન્ક ઓફ બરોડા કલાર્ક અને કેશિયરની નોકરીની લાલચ અરજદારોને આપતા હતા અને જરૂરિયાત મંદો પાસેથી મોટી રકમ પડાવી બોગસ જોબ લેટર ઑફર કરી ઉમેદવારો સાથે છેતરપિંડી કરતા હતા.

SOGને આ કૌભાંડની બાતમી મળતા વડોદરાના હરિનગર પાસે આવેલ સુનેર કોમ્પ્લેક્સમાં છાપો મારી તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. SOGએ આ આર્થિક કૌભાંડના મુખ્ય આરોપીઓ ધવલ ભાવસાર, વિશાલ પંચાલ અને  મેહબૂબ દીવાનની ધરપકડ કરી છે.

આરોપીઓ ૩૨થી ૩૫ હજાર પગારની નોકરી અપાવવાની લાલચ આપતા હતા. તેમની પાસેથી બોગસ જોબ લેટર, લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન સહિત ૩૫ હજાર રોકડા SOGએ કબજે કર્યા છે. નોકરીવાંછુ અરજદાર પાસેથી ત્રણથી ચાર લાખ ઉઘરાવતા, આ મુદ્દે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસે હવે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સહિત રાજ્યમાં બીજા કયા સ્થળોએ આ રીતે નોકરીની લાલચ આપી નોકરીવાંછુ ઉમેદવારોને છેતર્યા છે તેની તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી કૌભાંડના દસ્તાવેજો કબ્જે કર્યા છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે વડોદરા અને રાજકોટના નોકરીવાંછુ અરજદારો ઠગ ટોળકીના હાથે ભોગ બન્યા હોવાની માહિતી મળી રહી છે, ત્યારે તપાસ દરમયાન આ સમગ્ર કૌભાંડ અંગે ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.