મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના ચકચારી સામુહીક બળાત્કાર કેસમાં અમદાવાદ પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. બંને શખ્સોને પોલીસે વડોદરામાંથી રાત્રીના સમયે જ પકડી પાડ્યા છે. પોલીસે આ બંને શખ્સોને રાત્રે ત્રણ વાગ્યાના સુમારે ઝડપ્યા છે. આ શખ્સોએ એક સગીર વયની દીકરીને નવલખી ગ્રાઉન્ડની ઝાડીઓમાં ઢસેડી જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા નવ દિવસથી આ શખ્સો પોલીસના હાથે આવી રહ્યા ન હતા.

શું હતો બનાવ

વડોદરાના નવલખી ગ્રાઉન્ડ પર નવ દિવસ પહેલા રાત્રે એક ચકચારી ઘટના બની ગઈ હતી. અહીં ફિયાન્સે સાથે ફરવા આવેલી એક સગીરાને બે શખ્સોએ ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ સગીરાના ફિયાન્સેને માર મારી તેને ત્યાંથી ભગાડી દીધો હતો.  પોલીસે કિશોરીના વર્ણન આધારે બે શખ્સોના સ્કેચ તૈયાર કર્યા હતા જે અહીં દર્શાવ્યા છે. બંને આરોપીઓ અંદાજીત 25થી 30 વર્ષની ઉંમરના હોય તેવો પોલીસને અંદાજ હતો. પોલીસે કિશોરીને મેડિકલ તપાસ સહિતની કામગીરી આગળ વધારી શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં રાત્રી 8 વાગ્યાની આસપાસ 14 વર્ષની સગીરા તેના ફિયાન્સ સાથે ફરવા માટે ગઇ હતી. તે દરમિયાન બે અજાણ્યા ઇસમો ત્યાં પહોંચી ગયા હતા અને સગીરા સાથે બેઠેલા ફિયાન્સને માર્યો હતો અને શખ્સો યુવતીને ઝાડીઓમાં લઇ ગયા હતા. ફિયાન્સે અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંધારૂ હોવાથી તે અંદર જઇ શક્યો નહોતો. જેથી યુવાને બૂમાબુમ કરી મૂકી હતી, પરંતુ ત્યાં કોઇ ન હોવાથી તેની મદદે કોઇ આવ્યું નહોતું.

નવલખી મેદાન ઝાડી-ઝાખરા વાળો વિસ્તાર હોવાથી અહીં ભૂતકાળમાં પણ યુવક-યુવતીઓને લઈને ગુનાઓ બન્યા છે. આ મામલે પોલીસે નવલખી મેદાન પહોંચીને સગીરા સાથે કઈ જગ્યાએ દુષ્કર્મ થયું હતું સહિતની વિગતો મેળવી હતી.

યુવાન રોડ તરફ ગયો હતો. જ્યાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ વાનના પોલીસ કર્મીઓને તેને જાણ કરી હતી. જેથી પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને સગીરાની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ અંધારૂ હોવાથી યુવતીને શોધવી મુશ્કેલ હતી. જેથી પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરીને વધારે પોલીસ સ્ટાફ બોલાવ્યો હતો. સિનીયર અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ભારે જહેમત બાદ યુવતી મળી આવી હતી. જોકે આ પહેલાં જ બંને શખ્સોએ મોઢું દબાવીને વારાફરથી સગારી પર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીને માર માર્યો હતો. યુવતીના ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.