પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): છેલ્લાં બે મહિનાથી ગુમ થયેલી વડોદરા ગ્રામ્યના પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમ કામે લાગી છે, સુત્રોની જાણકારી પ્રમાણે સ્વીટી પટેલ કેસની મહત્વની કડીઓ ક્રાઈમ બ્રાન્ચને હાથ લાગી છે, આગામી બે દિવસમાં ક્રાઈમ બ્રાન્ચ આ મામલે  મોટો ઘટસ્ફોટ કરશે, જો કે સ્વીટ પટેલ ગુમ છે કે પછી તેમની હત્યા કરી દેવામાં આવી છે તે મામલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મૌન સેવી લીધુ છે. ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની વડોદરા મુલાકાત બાદ આ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

કરજણમાંથી છેલ્લાં બે મહિનાથી ગુમ સ્વીટી પટેલ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ વડોદરા ગ્રામ્ય પોલીસની ધીમી તપાસને કારણે અનેક શંકાઓ ઉત્પન્ન થવા પામી હતી, જો કે સ્વીટી પટેલના પરિવાર દ્વારા સ્વીટીના પતિ અને વડોદરા એસઓજીના પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈ સામે કોઈ શંકા વ્યકત કરવામાં આવી ન્હોતી આમ છતાં સાયોગીક પુરાવા અજય દેસાઈ સામે શંકા વ્યકત કરતા હતા, આ દરમિયાન અજય દેસાઈના એક પરિચીતના બંધ ઘરમાંથી માનવ હાડકા મળી આવ્યા હતા જેના આધારે વડોદરા પોલીસે ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો હતો જેનું પરિણામ આવવાનું બાકી છે.

આ દરમિયાન આ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા પછી ક્રાઈણ બ્રાન્ચ દ્વારા અજય દેસાઈની નવેસરથી પુછપરછ કરવામાં આવી હતી, અગાઉથી નક્કી થયા પ્રમાણે અજય દેસાઈનો નાર્કોટેસ્ટ પણ થવાનો હતો પરંતુ અજય દેસાઈ પોતાની તબીયતનું કારણ આપી ટેસ્ટ ટાળી દીધો હતો જેના કારણે તેમના તરફની શંકાને વધુ બળ મળ્યુ હતું, પરંતુ વિશ્વાસનીય સુત્રોની જાણકારી પ્રમાણે સ્વીટ ગુમ થવાને મામલે ક્રાઈમને મહત્વના પુરાવા હાથ લાગ્યા છે, જો કે સુત્રોને પુછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં સ્વીટ જીવીત છે કે મોત નિપજયુ છે તે મામલે તેમણે સ્પષ્ટતા કરવાને બદલે બે દિવસ રાહ જુવો તેવો ઉત્તર આપ્યો હતો.,જો કે સ્વીટ પટેલના મામલે સંડોવાયેલા આરોપીની પોલીસે ઓળખ કરી લીધી છે તે નક્કી છે, આગામી દિવસમાં ક્રાઈમ બ્રાન્ચ મોટો ઘટસ્ફોટ કરશે તેવા સંકેત મળી રહ્યા છે.