પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): વડોદરાના ચકચારી સ્વીટ પટેલ કેસને ઉકેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈ અને સ્વીટીની હત્યા બાદ લાશનો નિકાલ કરવામાં મદદ કરનાર કીરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે, પરંતુ આ મામલે શરૂઆતથી વડોદરા ગ્રામ્ય પોલીસ ધીમી તપાસ કરી રહી હતી, આખરે આ મામલે  ક્રિકેટર હાર્દિક પંડયાએ ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને ફોન કરતા આ મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. અને ક્રાઈમ બ્રાન્ચે એક જ સપ્તાહમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

કરજણમાંથી ગુમ થયેલા સ્વીટી પટેલના મામલે પોલીસ ફરિયાદ નોંધાયા પછી વડોદરા ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી હતી, પહેલા દિવસથી શંકાની સોઈ ઈન્સપેકટર અજય  દેસાઈ તરફ હોવા છતાં ગ્રામ્ય પોલીસ કોઈક કારણસર અજય દેસાઈ ઉપર દબાણ વધારી શકી ન્હોતી, સુત્રોની જાણકારી પ્રમાણે અજય દેસાઈના પીતરાઈ ભાઈ ભાજપના ધારાસભ્ય અને રાજયના મંત્રી મંડળના સભ્ય રહી ચુકયા હોવાને કારણે તપાસ કરી રહેલી પોલીસને મનમાં ડર લાગી રહ્યો હતો કે જો અજય દેસાઈને આ કેસ સાથે કોઈ નીસ્બત નિકળે નહીં તો અજય દેસાઈ પોતાની રાજકિય વગનો ઉપયોગ કરી પોતાની પરેશાની વધારી શકે છે. આ ડરને કારણે વડોદરા ગ્રામ્ય પોલીસ પોતાની જુની પ્રેકટીસ પ્રમાણે તપાસ કરવાને બદલે ફોરેનસીક પુરાવા અને તેના રીપોર્ટને આધારે આગળ વધી રહી હતી.

Advertisement


 

 

 

 

 

બીજી તરફ સ્વીટી પટેલ ગુમ થવાની ઘટના બાદ સ્વીટીના પુર્વ પતિ હેતેશ પંડયા અને તેમનો પુત્ર રીધમ જે ઓસ્ટ્રેલીયા રહે છે, તેમને હાલમાં સ્વીટી સાથે સત્તાવાર રીતે કોઈ સંબંધ નહીં હોવા તેઓ સ્વીટીના મામલે ખુબ જ ચીંતીત હતા, હેતેશ અને સ્વીટીના લગ્ન જીવનને કારણે થયેલા પુત્ર રીધમ પોતાની માતા પરત ફરે તેવા તમામ પ્રયાસ કરી રહ્યો હતો, ઓસ્ટ્રેલીયા રહેતા રીધમે સોશીયલ મિડીયા મારફતે પોતાની માતા સ્વીટીને શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આમ છતાં કોઈ પરિણામ મળ્યુ ન્હોતુ આથી ઓસ્ટ્રેલીય રહેલા હેતેશ પંડયાએ પોતાના પિતરાઈ ભાઈ અને ક્રિકેટર હાર્દિક પંડયાની મદદ માંગી આ મામલે મદદરૂપ થવા વિનંતી કરતા  સ્વીટ પટેલને શોધવા સહાયભુત થવા જણાવ્યુ હતું.
 

ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પોતાની સુરતની મુલાકાત બાદ પરત ફરતા વડોદરા પહોંચ્યા હતા અને તેમણે વડોદરા પોલીસ કમિશનર ઓફિસમાં વડોદરાના એસપી સુધીર દેસાઈ પાસે સ્વીટી કેસમાં થયેલી પ્રગતીની જાણકારી માંગી હતી, પરંતુ સુધીર દેસાઈએ આપેલી માહિતીથી જાડેજા સંતુષ્ટ નહીં થતાં તેમણે તરત આ મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સુપ્રત કરવાનો આદેશ આપ્યો હતો,

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે તપાસ આવ્યા હતા, ક્રાઈમ બ્રાન્ચ જાણતી હતી કે અજય દેસાઈ એક પોલીસ અધિકારી છે અને તેઓ પોલીસની કાર્ય પધ્ધતીથી વાકેફ છે, જેના કારણે અજય દેસાઈ સાથે પુછપરછ દરમિયાન સામાન્ય ગુનેગાર સાથે જેવો વ્યવહાર થાય તેવી કાર્ય પધ્ધતી કારગર નિવડવાની નથી, આથી પોલીસે આ કેસની નબળી કડી કઈ છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસના ધ્યાનમાં અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા આવ્યા હતા, બનાવના દિવસે અજય દેસાઈ કીરીટસિંહની હોટલ ઉપર ગયા હતા, પણ તે દિવસના સીસી ટીવી ફુટેઝ ડીલીટ કરી દેવામાં આવ્યા હતા, તેમજ જયાંથી માનવ દેહના કંકાળ મળ્યા તે જગ્યાની માલિકી પણ કિરીટસિંહની હતી,. આથી ક્રાઈમ બ્રાન્ચે કિરીટસિંહની આકરી પુછપરછ કરતા કિરીટસિંહ પોલીસનો તાપ સહન કરી શકયા નહીં અને તેમણે અજય દેસાઈએ હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી હતી, આમ કિરીટસિંહે વટાળા વેરી નાખતા અજય દેસાઈ પાસે પણ પોતાનો ગુનો કબુલી લેવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો.