મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરામાં પીસીબી શાખાએ બે સ્થળો પર દરોડો કરીને લાખો રૂપિયાનો દારુ જપ્ત કર્યો છે. આ ઘટનામાં પોલીસે એક મહિલા અને યુવકની ધરપકડ કરી છે. બનાવમાં એક શખ્સને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના સંદર્ભે પોલીસનું કહેવું છે કે, સમાના સંજયનગર ખાતે માળી મહોલ્લામાં રહેતા ગજરાજબહેન મહેશભાઈ માળી પોતાના ઘર પાસે આવેલા સ્મશાનની પાછળ વિશ્વામિત્રી નદીના પટમાં ખાડો ખોદીને દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની વિગતો મળતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આ સંદર્ભે મળેલી માહિતી પ્રમાણે ત્યાં ખાડો ખોદતાં ત્યાંથી ચારેક ફૂટ જેટલો ખાડો ખોદાયા પછી કુલ રૂ. 1,54,400ની કિંમતનો દારુનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે ગજાબહેન માળીની ધરપકડ કરી છે અને મહેશ માળીને વોન્ટેડ જાહેર કરી તેને પણ પકડી પાડવાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે.

ઉપરાંત અન્ય એક બનાવમાં ગોત્રીના જેતલપુર ગામે રહેતો વિનોદ ઘનશ્યામ તોલાણી ઈલેક્ટ્રોનિક્સનો વ્યવસાય કરતો હતો. તેથી તે ઘણી વાર ઈલેક્ટ્રોનીકની વસ્તુઓ લેવા દુબઈ જતો હતો. દરમિયાન તે દુબઈથી મુંબઈ એરપોર્ટ આવીને ડ્યૂટી ફ્રીમાં મળતી ઈમ્પોર્ટેડ દારુની બેથી ત્રણ બોટલ્સ ટ્રેન અથવા રોડ મારફતે વડોદરા લાવીને પોતાના સાસુના ઘરમાં રાખીને વેચે છે તેવી માહિતી પીસીબીને મળી હતી. બાતમી આધારે મકાનમાં રેડ કરી તો ત્યાંથી 27 હજારની કિંમતની બ્લ્યૂ લેબલની એક લીટરની 2 નંગ, 11 હજારની ગ્લેન ફ્લીડીચ 2 નંગ, 14000ની સિવાસ રેગલ 12 ઈયર ઓલ્ડની 3 નંગ, 3500ની સિવાસ રેગલ એક્સ્ટ્રા 1 નંગ, 6 હજારની જેક જેનીયલ્સ ઓલ્ડ નં-7ની 2 નંગ દારૂની બોટલ્સ મળી આવી છે. પોલીસે કુલ અંદાજીત 70,500નો મુદ્દામાલ જપ્ત કરીને તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે.