મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: નર્સિંગની વિદ્યાર્થિની પર તત્કાલિન સંચાલક જયેશ પટેલ દ્વારા રેપ કરવાની ઘટનાથી ચર્ચિત અને વિવાદમાં રહેલ પારુલ યુનિવર્સિટીની બે વિદેશી વિદ્યાર્થીઓ દારુની ખેપ મારતા વલસાડમાં ઝડપાઇ ગયા છે. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બગવાડા ટોલનાકા ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલતું હતું. આ દરમિયાન વાપી તરફથી એક સફેદ રંગની કાર આવતી હતી તેને રોકવાનો ઇશારો કરતા ગાડી ઉભી રાખી ન હતી. જેથી પોલીસે તેમનો પીછો કરી તેમને અટકાવી ગાડીની તપાસ કરતા તેમાંથી 176 બોટલ વિદેશી દારુ ઝડપાયો હતો. કારમાં રહેલ વિદેશી યુવક અને યુવતીની પૂછપરછ કરતાં તેઓ મૂળ ઝિમ્બાબ્વેના અને વડોદરાના પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. બંને પાસેથી તેમની કોલેજના આઇકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં તેમણે જણાવ્યું હતું કે તેમના નામ બ્રાઇટન રોબસન ચિકવીરા (ઉં.વ. 24) અને થાન્ડેકા ચીયાફીશા જુંગવાના (ઉં.વ. 21) હોવાનું અને તેઓ વડોદરાના આજવા રોડ સ્થિત શ્યામલ ગ્રીન સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસેથી વ્હિસ્કી અને બીયર મળી 88 હજારનો દારુ જપ્ત કરાયો છે. તેઓ જે કારમાં સવાર હતા તે ફોર્ડ ફિએસ્ટા ગાડી નંબર GJ 06 CM 9929  સહિતનો 4.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું તેઓ દમણ આઠ દિવસ રોકાઇને પરત આવતા હતા અને તેમણે વડોદરામાં પાર્ટી કરવામાં આ દારુ ખરીદ્યો હતો.