પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ગાંધીનગર): કોઈ હિન્દી પિક્ચરનો પ્લોટ હોય તેવી માહિતી ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સામે આવી છે. ગુજરાતની જાણિતી વડોદરાની પારુલ યુનિવર્સિટિના સ્થાપક ડો. જયેશ પટેલ જે વડોદરાની મધ્યસ્થ જેલમાં દુષ્કર્મના આરોપસર હતા. જ્યાં તેઓ કોરોનાગ્રસ્ત થતાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું 25મી ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. સીઆઈડીને ગુપ્ત રાહે મળેલી જાણકારી પ્રમાણે ખરેખર અગાઉથી નક્કી થયેલી સ્ક્રીપ્ટ પ્રમાણે જયેશ પટેલને અમદાવાદ સિવિલમાં લાવવામાં આવ્યા અને ત્યાં ખરેખર તેમનું મોત નિપજ્યું ન્હોતું પણ તેમના સ્થાને બીજી અન્ય કોઈ દર્દીનો મૃતદેહ પરિવારને સોંપી જયેશ પટેલને સેફ પેસેજ આપી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલ સામે દુષ્કર્મની જે ફરિયાદ હતી તેની ટ્રાયલ લગભગ પુરી થઈ ગઈ હતી.

ત્રણ વર્ષ પહેલા ડો. જયેશ પટેલ સામે નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીએ દુષ્કર્મનો આરોપ મુક્યો હતો. વિદ્યાર્થિનીનો આરોપ હતો કે, હોસ્ટેલની મહિલા રેક્ટર તેને ડોક્ટર જયેશ પટેલ પાસે જવાની ફરજ પાડતી હતી. જ્યાં તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જયેશ પટેલ પાસે ત્રીજી વખત જતી વખતે આ વિદ્યાર્થિની પોતાનો મોબાઈલ ફોન ચાલુ રાખતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને વડોદરા ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો હતો.


 

 

 

 

 

વડોદરા જેલમાં રહેલા જયેશ પટેલ સામેની ટ્રાયલ શરૂ થઈ ગઈ હતી. દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી સહીત તમામ સાક્ષીઓના નિવેદનો નોંધાઈ ચુક્યા હતા. માત્ર તપાસ કરનાર અમલદારની જ જુબાની બાકી હતી. તે દરમિયાન કોરોના કાળ શરૂ થતાં ટ્રાયલ અટકી ગઈ હતી. 

સીઆઈડીને મળેલી માહિતી પ્રમાણે વડોદરાની જેલમાં રહેલા જયેશ પટેલને કોરોના થયો છે તેવો દાવો થયો પણ વડોદરાની એસએસજી અને ગોત્રી હોસ્પિટલ કોવીડ હોસ્પિટલ હોવા છતાં જયેશ પટેલને સારવાર માટે વડોદરાને બદલે અમદાવાદ કેમ ખસેડાયા તે શંકાનું પ્રથમ કારણ છે. 25 ઓગસ્ટના રોજ જયેશ પટેલનું કોરોનામાં અવસાન થયું તેવો દાવો થયો અને નિયમ પ્રમાણે પીપીઈ કીટમાં તેમના પરિવારના બે સભ્યને મૃતદેહ સોંપ્યો, પણ ખરેખર તે જયેશ પટેલનો મૃતદેહ ન્હોતો, જયેશ પટેલને હોસ્પિટલમાંથી રવાના કર્યા બાદ જયેશ પટેલના નામે અન્ય કોઈ વ્યક્તિના મૃતદેહના અગ્નીસંસ્કાર કરવામાં આવ્યા. કાયદાકીય રીતે જયેશ પટેલનું અવસાન થાય તો દુષ્કર્મનો કેસ પડતો મુકવો પડે. આ કેસને નજીકથી જોનારે દાવો કર્યો છે કે ટ્રાયલ પુરી થઈ હોત તો, જયેશ પટેલને સજા થાય તેવી પુરી શક્યતાઓ હતી. તેવા સંજોગોમાં આ પ્રકારનો પ્લોટ ઘડી કાયદાના ચોપડે જયેશ પટેલને મૃત જાહેર કરી તેમને ભગાડી દેવામાં આવ્યા છે.

સીઆઈડીએ ગુપ્ત રાહે શરૂ કરેલી તપાસમાં આ પ્લોટ સાચો હોય તો, જેલ અધિકારી, અમદાવાદ હોસ્પિટલના તબીબો અને તેમના પરિવારના સભ્યો જો શામેલ હોય તો જ આ શક્ય બને તેમ છે. આ મામલો અત્યંત પેચીદો અને ગંભીર હોવાને કારણે સત્તાવાર રીતે આ મામલે પોલીસ અધિકારીઓ કાંઈ બોલવા તૈયાર નથી, પરંતુ સીઆઈડી જે મામલે તપાસ કરી રહી છે. તેમાં વડોદરામાં કોવીડ હોસ્પિટલ હોવા છતાં જયેશ પટેલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેમ લવાયા? ખરેખર જયેશ પટેલનું અવસાન થયું છે કે નહીં, તે મામલે દસ્તાવેજી અને વીડિયો પુરાવા કયા છે? જો લાશની અદલા-બદલી થઈ હોય તો જયેશ પટેલના સ્થાને જેના અંતિમ સંસ્કાર થયા તે કોણ હતું? કોરોનાને કારણે તેમના અંતિમ સંસ્કારમાં કોઈ સગા સંબંધીઓ કે મિત્રોના મોટા ટોળા ગયા ન્હોતા.