મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરામાં છાણી વિસ્તારમાં એલ એન્ડ ટી ની ઇમારત ધરાશાઇ થઇ ગઇ છે. જેમાં બે મજૂરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે હજૂ પણ 5 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ફાયર અને પ્રશાસન દ્વારા રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થળ પર એમ્બ્યૂલન્સ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ફાયર બ્રીગેડએ પણ આ ઘટનામાં તુરંત પહોંચી કામગીરી હાથ ધરી હતી.

છાણી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફીસર ઓમ જાડેજાનું કહેવું છે કે, છાણી જકાતનાકા ખાતેની આ બિલ્ડીંગ ટુંક સમય પહેલા 400 જેટલા લોકો કામ કરતાં હતા પણ બિલ્ડીંગ સાવ જર્જરિત હાલતમાં હતી તેથી ખાલી કરી દેવાઈ હતી. બિલ્ડીંગનો એક ભાગ વધુ પડતો જર્જરિત હોવાથી તેને ઉતારવાની કામગીરી ચાલતી હતી. તે વખતે આ ઘટના ઘટી છે.

કાટમાળમાં 5 લોકો ફસાયા હોવાની માહિતી સ્થાનીકો દ્વારા રેસ્ક્યૂ ટીમને અપાઈ છે. જેથી તેઓ મજુરોનું રેસ્ક્યૂ કરવામાં લાગ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મેડીકલ, ફાયર અને પોલીસ તંત્ર હાલ અહીં ખડેપગે છે.