મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના રાષ્ટ્રીય કક્ષાના હોકીના ખેલાડીએ પોતાના હાથની નસ કાપી અને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની વાતે ચકચાર મચાવી દીધી છે. આ ખેલાડી કમરના દર્દથી અત્યંત પરેશાન હતો તેવું સામે આવ્યું છે. તેણે પોતાના કમર દર્દને કારણે આપઘાત કરી લીધો હોવાનું કહેવાય છે. પોલીસે તેનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

શહેરના માંજલપુર ખાતેની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ક્ષની હોસ્ટેલમાં રહેતો મૂળ વડોદરાનો જ 22 વર્ષિય વિવેક સુભાષચંદ્ર પાંડે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એકેડેમી હેઠળ હોકી રમતો રાષ્ટ્રીય કક્ષાનો ખેલાડી હતો. તેના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ અહીં માણેજા ક્રોસિંગ પાસેની પવિત્ર ટાઉન્શીપમાં રહે છે. વિવેકના મિત્રો વેકેશન હોવાથી બહાર ગયા હતા. શનિારે વિવેકે મિત્રોને હું હમણા આવું છું તેવું કહી તે બાઈક લઈને ગયો પછી એક દિવસ પછી પણ તે પાછો આવ્યો નહીં અને ફોનનો પણ કોઈ જવાબ મળી રહ્યો ન હતો. જેને કારણે સહુ કોઈ ચિંતામાં આવી ગયા હતા. 

વિવેકના મિત્રો પાસેથી પરિવારજનોને માહિતી મળી કે તે અવારનવાર દીનદયાલ નગરના મિત્રોના ફ્લેટ પર જતો રહેતો હતો. તેથી તેઓએ ત્યાં તપાસ કરી. જોકે ત્યાં વિવેકનું બાઈક તો મળ્યું પણ ફ્લેટ અંદરથી બંધ હતો. તેના પિતાએ પોલીસને આ અંગેની જાણ કરી તો પોલીસ તુરંત ત્યાં સ્થળ પર આવી પહોંચી. પોલીસે દરવાજો તોડ્યો તો ફ્લેટમાં વિવેકનો મૃતદેહ ફાંસોખાઈ લીધીલી હાલતમાં લટકી રહ્યો હતો. ફ્લેટના ફ્લોર પર પણ લોહી હતું કારણ કે વિવેકે પહેલા હાથની નસ કાપી લીધી હતી.

તેના પિતા સુભાષચંદ્રનું કહેવું છે કે, વિવેક મારો એકનો એક પુત્ર હતો. તે એસ.એ.જી.માં રમતો હતો. તે છેલ્લા 10 વર્ષથી તે હોકી રમતો હતો. તેને પોતાની હોકી સ્ટીક પર હોકી માય લાઇફ લખેલું છે. તેણે આ પગલું કમરના દુઃખાવાથી ત્રાસીને ભર્યું હોય તેમ મને લાગે છે. બાકી બીજુ કોઇ કારણ નથી. છેલ્લે તેની સાથે ગત શનિવારે રાત્રે 10 વાગ્યે ફોન ઉપર વાત થઇ હતી. આ સાથે તેને તેની મમ્મી કલાવતીબહેન સાથે પણ વાત થઇ હતી. તેને તેની મમ્મીને પણ કમરના દુઃખાવાની ફરિયાદ કરી હતી.