રવિ ખખ્‍ખર (મેરાન્યૂઝ.વેરાવળ): વર્તમાન સમયમાં સોશિયલ મીડીયા માનવ જીવનનો અભિન્ન અંગ બનતું જાય છે આ પ્લેટફોર્મના જેટલા ગેરફાયદા છે તેવા જ તેના ફાયદા પણ છે અને તેવું છાશવાર બનતી ઘટનાઓ પરથી પ્રતિત થાય છે. ઘણા કિસ્‍સામાં સોશિયલ મીડીયા ફાયદાકારક તો અમુક કિસ્‍સામાં નુકશાન કારક પણ બની રહે છે. ત્‍યારે વિખુટા પડી ગયેલા પુત્રને શોઘવા પાંચ માસથી વલખા મારતા વડોદરાના પરિવાર માટે સોશિયલ મીડીયાનું માઘ્‍યમ સંજીવની સાબીત થયું હોય તેવો કિસ્‍સો સોમનાથ ભૂમિ પરથી બહાર આવ્‍યો છે. જેમાં વેરાવળની નિરાઘારનો આઘાર નામની સંસ્‍થાની સરાહનીય કામગીરીથી વિખુટા પડેલા વડોદરાના મુકબઘીર સગીરનો પરિવાર સાથે ફરી મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

આ ઘટનાની વિગત એવી છે કે, વડોદરાના આજવા રોડ પર રહેતા અને રિક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતા રવીન્દ્ર પાંડેનો પંદર વર્ષીય મુકબઘીર પુત્ર કરણ કે જે ગત 15 ફેબ્રુઆરી 2020 ના રોજ ઘર નજીક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. પુત્ર ગુમ થયાની પરિવારને જાણ થતાં ખુબ શોઘખોળ હાથ ઘરાઈ પરંતુ કયાંય પતો લાગ્યો ન હતો. જેથી અંતે કરણના ગુમ થવા મામલે વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુમશુદા ફરિયાદ નોંઘાવી હતી. ત્‍યારબાદ તેમના પુત્રની શોઘખોળ માટે જવાબદાર પોલીસ તંત્રએ કોઇ નકકર કાર્યવાહી કરી ન હોવાનો પિતા રવિન્દ્રભાઇએ આક્રોશ વ્યકત કરતા હતા. આ સાથે કરણના ફોટા સાથેની વિગત સોશિયલ મીડીયામાં વાયરલ કરી શોઘખોળના પ્રયત્‍નો પોતા તરફથી ચાલુ રાખ્‍યા હતા. 

દરમ્‍યાન ત્રણ દિવસ પૂર્વે તા.28 ના રોજ અચાનક વેરાવળથી રવિન્‍દ્રભાઇ પર ફોન આવ્યો અને જણાવ્યું કે, તમારો પુત્ર ગુમ થયા અંગે પૃચ્‍છા કર્યા બાદ વેરાવળથી એક ફોટો મોકલવ્યો જે જોતા આ કરણ જ હોવાનુ માલુમ પડ્યું હતુ. કરણ વેરાવળમાં હાઇવે પર કાર્યરત નિરાઘારનો આઘાર નામની સંસ્‍થામાં આશરો લઇ રહ્યો હોય જેથી રવિન્દ્રભાઇ અને તેમની પુત્રી કરણને લેવા વેરાવળ સંસ્‍થા ખાતે આવી પહોંચ્યા જયાં કરણને નિહાળી ભેટી પડતાની સાથે જ પરિવાર વચ્ચે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

વેરાવળમાં હાઇવે પર ટોલપ્લઝા નજીક નિરાઘારનો આઘાર નામની સેવાકીય સંસ્થાના સંચાલક જનક પારેખએ વાતચીતમાં જણાવ્યું કે, પાંચેક માસ પુર્વે કરણ નામનો સગીર રોડ પરથી મળી આવ્યો હતો. જે બોલી કે સાંભળી શકતો ન હોવાથી તેને આશ્રમ ખાતે લાવવામાં આવેલ હતો. આ બાળકના પરિવારની શોઘખોળ ચાલુ કરી પરંતુ આ બાળક બોલી કે સાંભળી શકતો ન હોવાથી તે કયાંથી આવ્યો અને તેના પરિવારજનો કોણ છે તે જાણવું અતિ મુશ્કેલ બન્‍યું હતું. 

દરમ્‍યાન ફેસબુક પર વડોદરાના એક ગ્રુપમાં આવી જ શકલનો એક બાળક ગુમ થયાનો મેસેજ વાંચતા તાત્કાલીક તે મેસેજ મુકનારનો સંપર્ક કરતાં તેની સાથે વાતચિત કરતા બાળકના પરિવારની જાણકારી મળી હતી. આમ સોશિયલ મીડિયાના માઘ્યમથી મુકબઘીર બાળકનું તેના પરિવાર સાથે મીલન થયું હતુ.

વેરાવળ જુનાગઢ રોડ પર સેવાકીય કામ કરતી નિરાઘારનો આઘાર સંસ્થામાં મંદબુઘ્ઘી અને બીનવારસુ લોકોને લાવી સાળસંભાળ રાખવામાં આવે છે. હાલ ૩૦ જેટલા આવા કમનસીબ લોકો આશ્રમમાં આશરો મેળવી રહ્યા છે.