મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ઘણીવાર બાળકોની રુચી ક્યાંય હોય અને તેમની દોરવણી ક્યાંય હોય જે બાળકો પ્રેશર ન સહી શકે તે યા તો ઘર છોડી દેતા હોય છે યા જીંદગી. ભણતરમાં રુચી ન હોવાને કારણે પોતાની જાતને સાબિત કરવા માટે એક વડોદરાના કરોડપતિનો દિકરો શિમલાની હોટલમાં પ્લેટ ધોઈ રહેલો મળ્યો છે. 

ગત 14મી ઓક્ટોબરે વડોદરા જિલ્લાના પાદરાના એક કરોડપતિ તેલના વેપારીનો દિકરો દ્વારકેશ ઠક્કર પતાની એન્જિન્યરિંગ કોલેજ માટે ઘરેથી નિકળ્યો પરંતુ તે પાછો આવ્યો નહીં ત્યારે પરિવારે તેની શોધખોળ હાથ ધરી પરંતુ કોઈ સફળતા ન મળતાં તેમણે પોલીસની મદદ માગી હતી.

પોલીસ તપાસમાં વડોદરા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને રિક્ષા ડ્રાઈવર કે જેણે દ્વારકેશને ત્યાં છોડ્યો હતો તે બે મહત્વી કડીઓ હાથ લાગી હતી. આ આધારે પોલીસ તપાસ વધુ આગળ વધી અને તે દરમિયાન શિમલાથી એક હોટલ મેનેજરનો ફોન આવ્યો અને આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. મેનેજરે કહ્યું કે 19 વર્ષનો એક યુવક તેમની હોટલમાં વાસણ ધોવે છે.

બાબત એવી હતી કે, દ્વારકેશને ભણવામાં રસ ન હતો પણ તે પોતાની ક્ષમતાને સાબિત કરવા માગતો હતો તેના કારણે તેણે આ રસ્તો નક્કી કર્યો હતો. તે ઘરેથી નિકળવાનું કહીને શિમલા જતો રહ્યો અને ત્યાં નોકરી માટે એક હોટલનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેણે કામ શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે દ્વારકેશનું આઈડી જોયા પછી મેનેજરે તેનું બેક્ગ્રાઉન્ડ ચેક કરવા માટે પાદરા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને અહીંથી આખી બાબત સામે આવી ગઈ હતી અને દ્વારકેશ ક્યાં છે તેની ખબર પડી ગઈ હતી.

મેનેજરે દ્વારકેશનો ફોટો પણ પોલીસને મોકલ્યો હતો. પોલીસે તેને વેરિફાય કર્ય અને બે કોન્સ્ટેબલ સંજયસિંહ ગોહિલ અને ભૂપેન્દ્ર મહિડાનો સંપર્ક કર્યો કારણ કે બંને કોન્સ્ટેબલ ત્યાં શિમલામાં જ રજાઓ માણી રહ્યા હતા. તે પછી બંનેએ હોટલ પહોંચ્યા પણ દ્વારકેશ ત્યાં ન મળ્યો. દ્વારકેશ હાઈવે પર ખાવા પીવાની દુકાનો અને ફૂડ સ્ટોલ પર કામ કરતો હતો. તે પછી તેમણે તમામ દુકાનનોનો સંપર્ક કરીને દ્વારકેશની ફોટો આપી હતી.

આ દરમિયાનમાં સોમવારે એક ટેક્સી ડ્રાઈવરે ગોહિલને ફોન કરીને કહ્યું કે આ છોકરો રોડની એક તરફ સુઈ રહ્યો છે. તે પછી પોલીસ ત્યાં પહોંચી અને દ્વારકેશ તેમને મળી જતાં તેમણે અહીં પાદરા પોલીસને તેની જાણકારી આપી હતી. પછી પરિવાર તેને લેવા શિમલા પહોંચ્યો અને દ્વારકેશ પાછો ઘરે આવી ગયો હતો. દ્વારકેશના પરિવારે પોલીસનો ભારોભાર આભાર માન્યો હતો.