મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના નવાપુરા વિસ્તારમાં થયેલી મયંક ટેલરની ઘાતકી અને ચકચારી હત્યાના મામલામાં બંટી પંડ્યાને બે સાગરિતો સપ્લાય કરનાર અમદાવાદનો ગુડ્ડુ બુટલેગર સીટી પોલીસના હાથે ચઢ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી પુછરપછ હાથ ધરી છે. જેમાં તેણે રાજકોટની જેલમાં બંટીનો ભેટો થયો હોવાનું કહ્યું હતું.પુછરપછમાં તેણે જ મયંકની હત્યા માટે સગીર અને પ્રદિપ રાવતને બંટી પાસે મોકલ્યા હોવાની પણ વિગતો મળી છે.

નવા પુરા વિસ્તારમાં મયંક ટેલરને મંગળબજારના માથાભારે ચિરાગ અને સમીર ઉર્ફે બંટી પંડ્યાએ તલવાર અને ગુપ્તી વડે રહેંશી નાખીને તેની ઘાતકી હત્યા કરી હતી. પોલીસની તપાસમાં પ્રારંભીક માહિતી એવી બહાર આવી હતી કે મંગળબજાર પર વર્ચસ્વ કરવાની આ લડાઈ હતી અને મયંકને બંટીની પત્ની સાથે આડા સબંધ હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં એક સગીર વ્યક્તિ, અમદાવાદનો પ્રદિપ રાવત મળીને કુલ 6ની ધરપકડ કરવામાં આવી છે.

ઘાતકી હત્યાને અંજામ આપ્યા બાદ પંડ્યા બંધુઓ બુટલેગર ભાર્ગવ ઉર્ફે ગુડ્ડુ બાબુ રાવતને ત્યાં અમદાવાદના વાડજ વિસ્તારના ઘરમાં રોકાયા હતા. બંટી અને ગુડ્ડુ બુટલેગર બંને પાસા હેઠળ રાજકોટની જેલમાં હતા તે વખતે બંને વચ્ચે પરિચય થયો હતો. વડોદરાના મંગળબજાર વિસ્તાર પર વર્ચસ્વ જમાવવા માટે પંડ્યા બંધુઓ અને મયંક ટેલર વચ્ચે ખટરાગ હતો. આ ખટરાગ હત્યા સુધી પહોંચ્યો હતો. મયંકની હત્યા પણ યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હતી.

આ ઉપરાંત શુક્રવારે અમદાવાદના જુના વાડજ વિસ્તારની આંબેડકરની ચાલીમાં રહેતો પિયુષ ભરત રાવલ વડોદરામાં સિટી પોલીસ સ્ટેશને લોકઅપમાં પુરાયેલા ગુડ્ડુને મળવા આવ્યો હતો અને તેની સાથે વાતો કરતો હતો. દરમિયાન એએસઆઈ મહેશભાઈએ તેમને તમે કોની સાથે વાતચિત કરો છો તેમ પુછતાં તે ઉશકેરાયો અને તમે પુછવા વાળા કોણ છો? તેવું કહી ઝઘડો કર્યો હતો. જેથી ફરજમાં રુકાવટના ગુનામાં એએસઆઈએ પિયુષ સામે પણ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી.