મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આજે એક લગ્ન પ્રસંગમાં ગેસનો સિલિન્ડર ફાટતા દોડાદોડ મચી ગઈ હતી. જોકે અહીંના લોકો નસીબના બળીયા સાબિત થયા અને જાનહાની થઈ ન હોઈ લોકો સહિત તંત્રએ પણ હાંશકારો અનુભવ્યો હતો. કારણ કે આ સિલિન્ડર ફાટયો તો તેનો અવાજ એટલો પ્રચંડ હતો કે એક તબક્કે કોઈ બ્લાસ્ટ થયો હોય તેવી અનુભૂતિ થઈ હતી. અહીં અંતમાં વીડિયો દર્શાવ્યો છે જે જોઈને આપ પણ ત્યાંના લોકોની ગભરાહટને અનુભવી શકશો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા નુર્મ યોજનાના મકાનમાં રહેતા સુનિલભાઈ ઓડના દિકરાના લગ્ન હતા. જેને પગલે લગ્નમાં આવાસના પાર્કિંગમાં તંબુ લગાવી મહેમાનો માટેના જમણવારની તૈયારી સ્વરૂપે રસોડું ઊભું કરવામાં આવ્યું હતું. જોકે અહીં રસોઈના કામ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી જે જોઈ લોકો ત્યાંથી થોડા દૂર જતા રહ્યા. જેને પગલે થોડીવાર પછી થયેલા પ્રચંડ બ્લાસ્ટનો કોઈ ભોગ ન બન્યું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે આગને કાબૂમાં કરી હતી.