મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ભાજપના દબંગ નેતા ગણાતા વડોદરાના ધારાસભ્ય મધુ શ્રિવાસ્તવ પોતાની જીભ લપ્સી તેની ભુલ સ્વિકારવાને બદલે મીડિયા સાથે ઉદ્ધતાઈ પર ઉતરી આવ્યા હતા. સોમવારે વડોદરા ખાતે તેમનું ઈન્ટરવ્યૂ લેવા પહોંચેલા એક મીડિયા કર્મી સાથે તેમનું આ વર્તન રેકોર્ડ થઈ ગયું હતું. અહીં તે અંગેનો વીડિયો પણ દર્શાવાયો છે.

બાબત એવી બની કે, થોડા દિવસ અગાઉ જાહેર સભામાં ભાજપનું કમળ ન ખીલ્યું તો ઠેકાણે પાડી દઈશ તેવું નિવેદન કર્યા બાદ, મીડિયાએ સતત તે ઘટનાનું કવરેજ દર્શાવ્યા બાદ મધુ શ્રિવાસ્તવને ચૂંટણી પંચ દ્વારા સો કોઝ નોટિસ ફટકારી હતી અને ખુલાસો માગ્યો હતો. આ નોટિસનો તેઓ શું જવાબ આપશે, શું તેઓએ બોલેલા શબ્દોનો કોઈ ખેદ વ્યક્ત કરશે કે કેમ તે જાણવા ઝી 24 કલાકના રિપોર્ટર રવિ અગ્રવાલ તેમનું ઈન્ટરવ્યુ લેવા પહોંચ્યા હતા.

રવિ અગ્રવાલે જણાવ્યું કે, જ્યારે અમે તેમનું ઈન્ટરવ્યુ કરી રહ્યા હતા ત્યારે તેમણે નારાજ થઈ પહેલા મને ધક્કો મારી ઓફીસની બહાર નીકળી જવા કહ્યું. જ્યારે મને તેમણે ધક્કો લગાવ્યો ત્યારે હું સમજી ગયો કે હવે તેઓ ઉદ્ધતાઈ કરશે તેથી મેં કેમેરામેનને કેમેરો ચાલુ રાખવાનો ઈશારો કર્યો જે તે સમજી ગયા. તેમણે કેમેરો ચાલુ રાખ્યો તેમણે મારી નોકરી જતી રહેશે અને ચેનલોના વાયર ખેંચાવી દઈશ ત્યાં સુધીની ધમકી આપી હતી.

રવિ અગ્રવાલે એવું પણ જણાવ્યું કે, તેમણે મને એવું પણ કહ્યું કે જો મારા રાજકીય કરિયરને કોઈ નુકસાન થયું તો તમે બે ત્રણ જણાને તો હું પુરા જ કરી નાખીશ. તેમને મેરાન્યૂઝ દ્વારા સવાલ કરાયો કે આ બે ત્રણ જણા એટલે કોણ ત્યારે તેમણે કહ્યું કે, ટીવી 9 ના પત્રકાર, હું અને કદાચ કોઈ અન્ય પણ હોઈ શકે છે જે અંગે હું ખાસ જાણતો નથી. પરંતુ આ ધમકી જ્યારે તેમણે આપી ત્યારે તે બાબત રેકોર્ડ થઈ શકી ન હતી.

મધુ શ્રિવાસ્તવ અને પત્રકાર વચ્ચે બનેલી આ ઘટનામાં જે કેમેરામાં રેકોર્ડ થયું તે અહીં વીડિયોમાં રજુ કરવામાં આવ્યું છે.