મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરામાં કસ્ટોડિયલ ડેથના એક કેસમાં સાત મહિના પછી આખરે પીઆઈ-પીએસઆઈ સહિતના 6 લોકો સામે ગુનો દાખલ થયો છે. ફતેગંજ પોલીસ મથકમાં ચોરીની શંકામાં લવાયેલા વ્યક્તિનું મોત થયું હતું અને બાદમાં લાશ સગેવગે કરી દેવાઈ હોવાનો કેસ નોંધાયો છે.

મૂળ તેલંગાણાના વતની શેખ બાબુ (ઉં. 62) જે અમદાવાદમાં રહેતા હતા. તેમનું વડોદરા સહિતના અન્ય શહેરોમાં ચાદરો વેચવા રોજ આવવા જવાનું રહેતું હતું. 10 ડિસેમ્બર 2019એ તે તેમના જમાઈ ઈબ્રાહિમખાન કાસીમખાન પઠાણ (રહે. તેલંગાણા)ની સાથે વડોદરા આવ્યા હતા. તેઓ સેન્ટ્રલ એસટી ડેપો પાસે નાસ્તો કર્યો તે પછી બાબુ શેખ પોતાની સાઈકલ પર ચાદરો મુકીને ફેરી ફરી ચાદરો વેચવા નિકળ્યો હતો. 
બીજી બાજુ ફતેગંજ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના જવાનોલ સતીષ ઠક્કરના ઘરમાં થયેલી ચોરીની તપાસ કરી રહ્યા હતા જેમાં શેખ બાબુ શેખની સંડોવણી જેવી શંકા જતાં તેમની અટકાયત કરી લીધી હતી. પોલીસે તેમને કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી પર પટ્ટાથી બાંધી દીધા અને ચોરીની કબુલાત કરવા માટે શારિરીક અને માનસિક ટોર્ચર શરૂ કર્યું હતું. એક રીતે થર્ડ ડીગરી ટોર્ચર હતું, હાથની વચ્ચે પેન ફસાવી દર્દ આપવું વગેરે જેવી ટ્રીક અપનાવી હતી. બાદમાં શેખનું ત્યાં જ મોત થઈ ગયું. શેખનું મોત થતાં ફતેગંજ પોલીસ મથકના તે વખતના પીઆઈ ધર્મેન્દ્રસિંહ બુટકસિંહ ગોહિલ, પીએસઆઈ દશરથ માધાભાઈ રબારી, પોલીસ કર્મચારી પંકજ માવજી, યોગેન્દ્રસિંહ જીલણસિંહ, રાજેશ સવજી અને હિતેશ શંભુભાઈને મળીને લાશ સગેવગે કરી દીધી.

આ બાજુ મોડી રાત થઈ પણ શેખ સેન્ટ્રલ એસટી ડેપો પરત ન આવ્યા અને તેને કારણે જમાઈએ તેલંગાણામાં રહેતા પોતાના સાળા સલીમને ફોન કરી આ બાબતની જાણ કરી હતી. તેમણે આ બાજુ સયાજીગંજ પોલીસ મથકે શેખ બાબુ શેખના ગુમ થયા હોવાની નોંધ આપી. હવે એસીપી પરેશ ભેંસાણીયા દ્વારા આ અંગે તપાસ કરાઈ પણ શેખ બાબુ શેખ મળ્યા નહીં. તેમના બધા પ્રયત્નો ખાલી જવા લાગ્યા. જોકે શેખ બાબુ શેખના જમાઈ અને પુત્ર સલીમ દ્વારા તેમને શોધવાના પ્રયત્નો ચાલુ રખાયા હતા. તેમણે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા. કોર્ટે શેખ બાબુ શેખને 10 જુલાઈ 2020 ના રોજ હાજર કરવાના આદેશ કર્યા હતા.

તપાસ માટે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે એસીપી એસ જી પાટીલને આદેશ કર્યો. એસીપીની લાંબી તપાસ અને વિવિધ લોકોના નિવેદનોમાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને તેમના સ્ટાફનું ઈન્વોલ્વમેન્ટ સામે આવવા લાગ્યું. તેમને તપાસ દરમિયાન ખબર પડી કે શેખ બાબુ શેખને આ સ્ટાફ દ્વારા ટોર્ચર કર્યા બાદ તેમનું મોત થઈ ગયું છે અને લાશ સગેવગે કરી દેતા કોઈને તે વાતની જાણ જ ન થાય તેમ પુરાવાઓનો નાશ કરવાના પ્રયત્નો કર્યા છે. તેમણે તુરંત આ અંગે ક્રાયવાહી હાથ ધરી. તેમની તપાસમાં એવું પણ બહાર આવ્યું કે ફરિયાદની કોપી પણ ડિલીટ કરવા સહિત, બી સમરીને રિપોર્ટ પણ રજૂ કરી દીધો હતો.

હવે એસીપી એસ જી પાટીલે પોતાની તપાસ પ્રમાણે શેખ બાબુ શેખના મોતના કેસમાં 1) પી.આઇ. ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ (રહે. 61, સર્વોદય સોસાયટી, નિઝામપુરા, વડોદરા. મુળ રહે. બેન્ક કોલોની, તળાજા, ભાવનગર), 2) પી.એસ.આઇ. દશરથભાઇ માધાભાઇ રબારી (રહે. કમલાપાર્ક સોસાયટી (ભગીરથ) કેડીલા રોડ, અમદાવાદ, મુળ રહે. કનીજસ મહેમદાવાદ, જિ. ખેડા)., 3) અનાર્મ લોકરક્ષક પંકજ માવજી (ચલાલા પોલીસ સ્ટેશન), 4) અનાર્મ લોકરક્ષક યોગેન્દ્રસિંહ જીલણસિંહ (રહે. એફ-2, શિવાસી સોસાયટી, છાણી જકાતનાકા, મુળ રહે. કમ્બોસણી, સાબરકાંઠા), 5) રાજેશ સવજીભાઇ (રહે. 105, શિવમ રેસિડેન્સી, છાણી ગામ મુળ રહે. ખાનપર, તા. જિ. મોરબી) અને 6) અનાર્મ લોકરક્ષક હિતેશ શંભુભાઇ 118, અંલકાર એપાર્ટમેન્ટ, છાણી જકાતનાકા, મુળ રહે. પ્લોટ નંબર-2427, શિવાજી સર્કલ પાસે, ઘોઘા રોડ, ભાવનગર) સામે આઇ.પી.સી. કલમ 304, 201, 203, 204 અને 34 મુજબ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.