દેવલ જાદવ (મેરાન્યૂઝ.વડોદરા): રેમડિસિવિર ઇન્જેક્શનની અત્યારે ગુજરાત રાજ્યમાં ખૂબ માંગ વધી રહી છે. શરૂઆતના સમયમાં આ ઇન્જેક્શનની કિંમત ખૂબ વધારે હતી, જે લોકોને પરવળે તેમ નહતું. એવા સમયે ઝાયડસ કંપનીએ પોતાની કંપનીમાં જ ઉત્પાદન થતા આ ઇન્જેક્શનની કિંમત ઘટાડીને ૮૯૯ રૂપિયા કરી હતી. જોકે વડોદરા શહેરમાં એક સંસ્થા દ્વારા કોરોનાના દર્દીઓના મૃત્યુ બાદ કરવામાં આવેલા સંશોધનમાં સ્ફોટક માહિતી સામે આવી છે. સંસ્થાએ દાવો કર્યો છે કે દર્દીઓને આપવામાં આવતા રેમડિસિવિર ઈન્જેક્શન્સ એક્સપાઈરી ડેટ જતી રહી હતી અને તેના પર નવા સ્ટીકર લગાવીને વેચવામાં આવ્યા હતા.

રાજ્યમાં જ્યારે કોરોનાની બીજી લહેર આવી છે ત્યારે દર્દીઓને રેમડિસિવિર ઇન્જેક્શનની મોટી માત્રામાં જરૂર ઊભી થઈ રહી છે. જેના માટે ઝાયડસ હોસ્પિટલની બહાર લોકો મોટી માત્રામાં લાઈન લગાવીને ઇન્જેક્શન લેવા આવતા જોવા મળે છે. અમદાવાદમાં ગુજરાતના અલગ અલગ સ્થળ જેમ કે કચ્છ, ધ્રાંગધ્રા, રાજકોટ, સુરત, વડોદરા, અંકલેશ્વર વગેરે સ્થળોએથી લોકો આ ઇન્જેક્શન લેવા આવી રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં આ ઇન્જેક્શનની અછત સર્જાઈ હતી.

રેમડિસિવિર અંગે અલગ અલગ અટકળો પણ ચાલતી હોય છે. થોડા દિવસ પેહલા સુરતમાં ભાજપ પક્ષ દ્વારા રેમડિસિવિરના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. એવામાં વડોદરા શહેરના એક ટીમ રિવોલ્યુશન નામના ગ્રુપ દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં એવો દાવો કરવામાં આવે છે કે આ ઇન્જેક્શનની એક્સપાઇરી ડેટની અવધિ માત્ર ત્રણ મહિના હોય છે. અત્યારે વડોદરામાં વેચવામાં આવતા ઇન્જેક્શનનું ઉત્પાદન ૨૦૨૦ માં કરવામાં આવ્યું હતું. આ ૨૦૨૦માં બનેલા ઇન્જેક્શન પર જ નવા સ્ટીકર લગાવીને તેને ૨૦૨૧ કરી દેવામાં આવ્યું છે જેના તેમની પાસે પુરાવા પણ છે.

ટીમ રિવોલ્યુશનના એક સભ્ય સ્વેજલ વ્યાસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ અંગે તેમણે સરકાર સમક્ષ રજુઆત કરી છે અને વડોદરાના કલેકટરને આવેદન પત્ર આપ્યું છે. આ આવેદન પત્રમાં લખવામાં આવ્યું છે કે આ ઇન્જેક્શન બનાવનારી કંપની એ ૨૦૨૦માં રેમડિસિવિર ઇન્જેક્શનનું મોટી માત્રામાં ઉત્પાદન કરી લીધું હતું અને એકા એક કોરોનાના કેસ ઘટતા કંપનીનો ઇન્જેક્શનનો જથ્થો પડી રહ્યો હતો. જેનો ઉપયોગ તેમણે ૨૦૨૧ માં આવેલી કોરોનાની બીજી લહેરમાં સ્ટીકર બદલીને કર્યો છે. આવા એક્સપાઈરી ડેટ જતી રહી હોય તેવા ઇન્જેક્શનનો ઉપયોગ થવાના કારણે દર્દીઓ પર ઇન્જેક્શનની કોઈ ખાસ અસર થતી નથી.

ટીમ રિવોલ્યુશન કે સવેજલ વ્યાસના આ સ્ફોટક આક્ષેપ અંગે ઝાયડસના પ્રવક્તા સાથે સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કર્યો. તેમના મેઈલ આઈડી પર મેઈલ કર્યા બાદ હજુ સુધી તેમનો કોઈ જવાબ મળ્યો નથી. તેમના તરફથી આગામી સમયમાં આ સંદર્ભમાં જવાબ આપવામાં આવશે તેવી લોકોમાં આશાઓ છે કારણ કે સત્ય શું છે તે પણ લોકેને જાણવું છે.