મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ સમગ્ર રાજ્યમાં આજે લોકડાઉનની સ્થિતિમાં ક્યાંક કેટલાય વીડિયો અને ફોટોઝ વાયરલ થયેલા આપે જોયા અને તેમાં અલગ અલગ ઘટનાઓ પણ જાણી. વડોદરામાં પણ એક એવી ઘટના બની જેમાં મીડિયા કર્મચારીઓ અને એક ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફીસર દ્વારા કેન્સર પીડિતાની મદદ કરવામાં આવી. મીડિયા અને અધિકારીએ આવો જાણીએ કેવી રીતે તેમની મદદ કરી.

વડોદરામાં લોકડાઉનની સ્થિતિ દરમિયાન મૂળ દેવગઢ બારિયાના રહેવાસી અને હાલ સમા સાવલી વિસ્તારની એક સાઈટ પાસે રહેતા ભગવતી બહેન પોતાની કેન્સરની સારવાર જે જરૂરી હોઈ પોતાના ભત્રિજા સાથે સવારે એક ખાનગી હોસ્પિટલમાં તબીબને બતાવવા ગયા હતા અને ત્યાંથી તેઓ પરત રિક્ષામાં બેસી ઘર તરફ એટલે કે સમા સાવલી ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન રિક્ષા ચાલકને ખબર પડી કે પોલીસ રિક્ષા ડિટેઈન કરે છે તો તેણે કેન્સર પીડિત મહિલાને ત્યાં અધવચ્ચે જ કાલા ઘોડા વિસ્તારથી થોડે દૂર ઉતારી દીધા અને જતો રહ્યો. મહિલાએ અને તેના ભત્રિજાએ વિચાર્યું કે કોઈની મદદ લઈએ પણ ત્યાં મદદ માટે કોઈ ન હતું. તેમણે ચાલતા કાલા ઘોડા સુધી જવાનું નક્કી કર્યું. કે કદાચ ત્યાં કોઈ વાહન મળી જશે. તેઓ ચાલવા લાગ્યા પણ કેન્સર પીડિત મહિલાથી વધુ ન ચલાયું તે ત્યાં જ રસ્તા પર બેસી ગઈ.

આ દ્રશ્ય મીડિયા કર્મચારી જોઈ ગયા, તેઓ મહિલા પાસે આવ્યા, ભૂપેન્દ્ર રાણા અને વલ્લભ શાહ નામના મીડિયા કર્મીઓએ ત્યાં તેમની પૃચ્છા કરી. તેમણે 108ને જાણ કરી જ્યારે 108 આવી ત્યારે તેમણે કહ્યું કે અમે દર્દીને ઘરે મુકવા જઈ શકીએ નહીં અમે તેમને માત્ર હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ. ઘરે મુકવા જવાનું કામ પ્રોટોકોલ પ્રમાણે અમારું નથી. તેમની વાત પણ ગ્રાહ્ય રાખવા જેવી હતી. જેને લઈને મીડિયા કર્મચારીઓએ ફાયર બ્રિગેડને જાણ કરવાનું નક્કી કર્યું. ત્યારે વડોદરાના ફાયર બ્રિગેટના અધિકારી મનીષ મોડ સાથે વાત થઈ તો તેમણે કહ્યું કે, પ્રયત્નો કર્યા પણ ક્યાંયથી મદદ મળી રહી નથી. ત્યારે અધિકારી મનીષ મોડે કહ્યું કે તમે ચિંતા ન કરો, હું મારી પર્સનલ સરકારી કારમાં પણ તેમને સલામત ઘરે પહોંચાડી દઈશ. તેઓ ત્યાં પોતાના કેટલાક સ્ટાફ સાથે પહોંચી ગયા અને તેમણે પછી મહિલાને તુરંત પોતાની કારમાં બેસાડી તે પરિવારને સલામત ઘરે પહોંચાડ્યું હતું. પીડિત પરિવારે મનોમન તેમને એકાએક મળી ગયેલી આ મદદને લઈને મીડિયા કર્મચારીઓ અને અધિકારીનો ભારોભાર આભાર માન્યો હતો.