મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરામાં આજે બુધવારે બપોરે એક વ્યક્તિ પાણીની ટાંકી પર ચઢી ગયો હતો. જેને પગલે તંત્રને તેણે કલાક સુધી તંત્રનો જીવ અધ્ધર કરી દઈ રીતસર ખડેપગે રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે જે ટાંકી પર આ વ્યક્તિ ચઢ્યો હતો તેની હાલત એવી હતી કે તેમાંથી પોપડા ઉખડતા હતા જેના પથ્થર કાઢી આ શખ્સ જે પણ તેને નીચે ઉતારવા નજીક આવે તેને મારતો હતો.

વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં પાણીની ટાંકી આવેલી છે. આ ટાંકી પર આજે બપોરે એક વ્યક્તિ ચઢી ગયો છે અને ઉતરતો નથી તેવો ફોન ઈમર્જન્સી સેવાઓને મળતાં ફાયરબ્રીગેડ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રીગેડના સ્ટાફ દ્વારા શરૂઆતમાં વાત કરીને આ વ્યક્તિને નીચે ઉતરી જવા જણાવ્યું હતું. જોકે આ દરમિયાન દરેકના મનમાં ભય હતો કે આ શખ્સ જાણી જોઈને કે પછી બેલેન્સ ગુમાવીને નીચે ન પટકાય, કારણ કે જો તે વ્યક્તિ નીચે પટકાય તો તેને જીવનું જોખમ હતું.

આ તરફ તંત્ર તે શખ્સને નીચે ઉતરવા મનાવી રહ્યા હતા તો બીજી તરફ તે શખ્સ પાણીની ટાંકીના સિમેન્ટ કે જે ઉખડી શકતો હતો તેના ટુકડા કરીને તેને ઉતારવા આવનારને મારતો હતો. આ ઘટના અંદાજે પોણો કલાકથી વધુ ચાલી તેથી તંત્રએ આખરે કડકાઈથી કામ લઈ તેને પકડી નીચે લેતા આવ્યા હતા. જોકે તે કયા કારણસર ઉપર ચઢ્યો હતો તે અંગે તેની પુછપરછ કરવામાં આવી રહી છે.