મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરા એક એવું શહેર અને જિલ્લો છે જ્યાં માનવ વસ્તી વચ્ચેથી પસાર થતી નદીમાં અસંખ્ય મગર વસવાટ કરે છે. નાના જબડાના આ મગરનો પાવર પણ ઘણો છે. જોકે નદીમાં મગર હોવાની જાણ અહીં દરેકને છે છત્તાં ઘણીવાર એવા બનાવો બન્યા છે કે મગર અને માણસ વચ્ચે ટકરાવ થયો હોય. હાલ બનેલી એક ઘટનામાં તો એવું હતું કે કિનારા નજીક મોર્નિંગ વોક કરી રહેલા વ્યક્તિની નજર પડી કે ત્રણેક મગર એક માણસની લાશને લઈ કિનારા નજીક આવી ગયા છે. વ્યક્તિએ ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં કંડારી લીધો હતો.

ઘટના શિનોર નર્મદા નદીના કિનારે ગોલવાડ અને બુસાફલિયાના ઘાટ પાસેની છે. જ્યાં વહેલી સવારે 7 વાગ્યે એકાએક આ દૃષ્ય લોકોના નજરે પડ્યું હતું. અહીં આમ તો કિનારાના વિસ્તારમાં સવારે અથવા સાંજે લોકોને મગર તો જોવા મળી જ જાય છે, પરંતુ માનવ દેહની મીજબાની માણતી આ ઘટના સહુ માટે ચોંકાવનારી હતી. મગરો માણસની લાશને કિનારે લાવી તેને ફાડીને ખાઈ રહ્યા હતા. માંસ આરોગવા મગર વચ્ચે નાની અમથી ઝપાઝપી થતી હતી. આ ઘટના નજરે જોનારાઓ પૈકીના એક વ્યક્તિએ પોલીસને પણ આ અંગે જાણ કરી હતી.

Advertisement


 

 

 

 

 

પોલીસને જ્યારે ખબર પડી કે માણસની લાશને મગર ખાઈ રહ્યા છે તો તુરંત પોલીસ પણ ત્યાં દોડી ગઈ. જોકે ત્યાં સુધી મૃતદેહ નજરે પડી રહ્યો ન્હોતો. મૃતદેહ પાણીમાં શોધવાની જહેમત શરૂ કરી અને પોલીસને મળેલી લાશ પરથી અંદાજ આવ્યો કે આ લાશ કોઈ 35 વર્ષની આસપાસના પુરુષની લાશ છે. લાશ ક્હોવાઈ ગયેલી હતી. ઉલ્લેખનીય છે કે મગરને તાજા કરતાં ક્હોવાયેલું માંસ વધુ પ્રિય છે. તેથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે આ વ્યક્તિનું મોત આજે નહીં પરંતુ થોડા સમય પહેલા થયું હશે. હાલ પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી પોલીસે વ્યક્તિની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.