મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ પર ધનતેરસે થયેલા સામૂહીક દુષ્કર્મ કેસમાં હજુ આરોપીઓ ઝડપાયા નથી, પોલીસની કાબેલિયત પર આ એક મોટો સવાલ બની ને બેઠો છે. ત્યારે સુરક્ષાનો અહેસાસ આપવામાં ઉણી ઉતરેલી પોલીસ માટે એક લાલ લપડાક સમાન બનાવ બન્યો છે. નવસારીમાં વાલીઓએ બેઠક કરી છે જેમાં તેમણે નક્કી કર્યું છે કે આ દુષ્કર્મનો ભોગ બનેલી દીકરી જે સંસ્થામાં કામ કરતી હતી તે સંસ્થામાં કામ કરતી પોતાની દીકરીઓ પણ ઘરે પાછી ફરે તેવું નક્કી કર્યું છે. જોકે જો દીકરીઓને પાછી નહીં આવવા દેવાય તો વાલીઓએ કાયદાનો ટેકો લેવાનું નક્કી કર્યું છે. 

વડોદરાની ઓએએસઆઈએસ સંસ્થા આ ઘટના પછી ઘણા વિવાદોમાં ઘેરાઈ છે. આ સંસ્થામાં બાળકોનું બ્રેઈનવોશ કરવા સહિતના ઘણા આક્ષેપો થઈ ચુક્યા છે. અહીં સુધી એક એક બાળકીએ તો પોતાના પિતાને એવું કહી દીધું હતું કે, હું તમારી દીકરી નથી તેવું કાગળ પર લખી આપી શકું છું, ખુદ પિતાએ જ જ્યારે આ વાત કરી ત્યારે તેમની આંખોમાં દીકરી ગુમાવ્યાની પીડા અને હોઠમાંથી નીકળતા શબ્દોમાં કંપારી જોવા મળી રહી હતી. જ્યારથી આ દુષ્કર્મ અને શંકાસ્પદ મોતની નવસારીની દીકરીની ઘટના બની છે ત્યારથી આ સંસ્થા સાથે જોડાયેલી દીકરીઓના વાલીઓ ચિંતામાં પડ્યા છે. તેમને તેમની દીકરીઓની સતત ચિંતા રહે છે. તેઓ ઈચ્છે છે કે દીકરીઓ પાછી ઘરે આવી જાય તે માટે તેમણે એક મીટિંગ અરેન્જ કરી હતી. જેમાં તેમણે દીકરીઓ પાછી નહીં આવે તો કાયદાનો ટેકો લેવાનું નક્કી કર્યું હતું.

Advertisement


 

 

 

 

 

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે પણ આ કેસમાં આરોપી સુધી પહોંચવાના પ્રયત્નો કરતાં સાથે જનતાની પણ મદદ માગી છે. જો તમે આ પ્રકારના કોઈ વ્યક્તિની વિગતો જાણો છો તો તમે પોલીસનો સંપર્ક કરી શકો છો. જે માટે પોલીસ તમારી વિગતો ગુપ્ત રાખશે. જેના માટે તમે શહેર પોલીસ કંટ્રોલ રૂમ 0265-2415111/100, ડીસીબી પોલીસ સ્ટેશન 0265-2513635, ડીસીપી પીઆઈ આર એ જાડેજા- 9825750363, ડીસીબી પીઆઈ વી બી આલ પીઆઈ 8980037926 પર સંપર્ક કરી શકો છો.

શું બન્યો હતો બનાવ

વડોદરાની એક કોલેજમાં ભણતી 18 વર્ષની યુવતી પર વેક્સિન ગ્રાઉન્ડમાં બે રિક્ષા ચાલકો દ્વારા અપહરણ કરી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. યુવતી એક એનજીઓમાં ફેલોશીપ કરતી હતી અને તેનું કામ હતું કે તે લોકોને આત્મહત્યાના વિચારો મુકી જીંદગી જીવવાની પ્રેરણા આપે. પોતાનું કામ પતાવી તે રુમ પર પરત જઈ રહી હતી ત્યારે બે શખ્સોએ તેને અડફેટે લઈ તેનું અપહરણ કરી લીધું હતું. તેને આ બંને વેક્સીન ગ્રાઉન્ડમાં લઈ ગયા અને ત્યાં અવાવરુ જગ્યા પર તેની સાથે દુષ્કર્મ કર્યું. આ તમામ બાબતનો ઉલ્લેખ યુવતીએ પોતાની પર્સનલ ડાયરીમાં કર્યો છે. આ યુવતીએ દિવાળીના દિવસે ટ્રેનના ડબ્બામાં આપઘાત કરી લીધો હતો. આ ઘટના સંદર્ભે યુવતીએ પોતાના ઓળખીતાને મેસેજ કરી મદદ માગી હતી. જોકે મદદ મળી શકી નહીં. આ ઘટનામાં રેલવે પોલીસ સાથે સાથે વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે આરોપીઓને શોધવા કમર કસી લીધી છે. ડીજીપીના આદેશને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસમાં સાથે તપાસમાં જોડાઈ છે ઉપરાંત, વલસાડ રેલવે પોલીસ, એલસીબી, એસઓજી, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પણ સતત તપાસમાં જોતરાઈ ગઈ છે.

Advertisement


 

 

 

 

 

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ]