પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.વડોદરા): વિશ્વ આખામાં કોરોનાનો જે કહેર છે તે સત્યથી આપણે મોંઢુ ફેરવી શકતા નથી, કોરોના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અથવા વહીવટી તંત્ર કારણભૂત નથી. આ ઉઘાડું સત્ય હોવા છતાં કોરોના પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે તેવો ભ્રમ ઊભો કરવા માટે વડોદરા મ્યૂનિસિપલ કોર્પોરેશને એક નવો નુસ્ખો અપનાવ્યો છે જે ખતરનાક પણ છે. તેમાં કોરોના પોઝિટિવ દર્દી શોધવા માટે ટેસ્ટિંગ વધારવાને બદલે ટેસ્ટિંગમાં ઘટાડો કરી દીધો છે અને મૃત્યુઆંક જાહેર કરવાને બદલે મૃત્યુનું કારણ જાણવા કમિટિ બનાવી દીધી છે.

અમદાવાદ અને વડોદરાની ભૌગોલીક તથા સામાજીક સ્થિતિ એક સરખી છે. અમદાવાદની સરખામણીમાં વડોદરા નાનું હોવા છતાં વડોદરામાં કોરોનાનો વ્યાપ ઓછો છે તેવું દર્શાવવા માટે વડોદરા મ્યૂનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોરોના સામેની લડાઈ આક્રમક બનાવવાને બદલે ક્યાંય તોફાન નથી તેવી શાહમૃગ નીતિ અપનાવી કોરોનાના ટેસ્ટ ઘટાડી દીધા છે.

અમદાવાદ કોટ વિસ્તારમાં જે પ્રકારે ગીચ વસ્તી છે તેવી જ સ્થિતિ જુના વડોદરામાં છે. અત્યંત નજીક નજીક રહેતા લોકોના કારણે કોરોનાનું સંક્રમણ વધવું બહુ જ સ્વાભાવીક છે. વડોદરાના નાગરવાડા, ફતેપુરા જેવા ઘણા વિસ્તારોમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા વિશેષ હોવા છતાં વડોદરા કોર્પોરેશન માત્ર ત્યાં બિમારીની ફરિયાદ મળે તેવા જ દર્દીઓનો કોરોના ટેસ્ટ કરી રહી છે. અમદાવાદમાં જે રીતે સુપર સ્પ્રેડર્સને શોધવા માટે કામગીરી થાય છે તેવી કામગીરી કરવાને બદલે વિશાળ વડોદરામાં માત્ર રોજના દોઢસો જ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આમ છતાં વડોદરામાં પોઝિટિવ દર્દીઓનો આંક 551ને પાર કરી ગયો છે. આમ અધિકારીઓ પોતાની અસરકારકતા બતાવવા માટે વડોદરાના લોકોનો જીવ દાંવ પર લગાવી ટેસ્ટની સંખ્યા ઘટાડી રહ્યા છે. જે આવનાર સમયમાં ઘાતક સાબિત થશે.

બીજી તરફ કોરોનામાં થતા મૃત્યુની માહિતી વડોદરા કોર્પોરેશન છેલ્લા ચાર દિવસથી છૂપાવી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી પરંતુ બિનસત્તાવાર આંક પ્રમાણે બે પોઝિટિવ દર્દીના મોત થયા છે. આંકડાની રમતને ન્યાયી ઠેરવવા માટે વડોદરા કોર્પોરેશને પાછું એક બીજો આડિયા પણ લગાવ્યો છે જેમાં ત્રણ મેડિકલ એક્સપર્ટની એક કમિટિ બનાવી પોઝિટિવ દર્દીના મૃત્યુ પછી તેનું ઓડિટ કરી મૃતક ભૂતકાળમાં કઈ બિમારીથી પીડાતો હતો તેવા કારણોનો અભ્યાસ કરી દર્દીનું મોત કોરોનાથી નહીં પણ તેની પૂર્વ બિમારીને કારણે થયું હોવાનું પ્રસ્તાપિત કરવાનું નક્કી કર્યું છે.  આ સ્થિતિ અત્યંત ઘાતક છે, તંત્ર આજનું મોત કાલ પર ઠેલી રહ્યું છે.