મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: વડોદરા નજીક આવેલ રિલાયન્સ IPCL પીબીઆર-2 પ્લાન્ટમાં આજે ગુરુવારે વહેલી સવારે અચાનક બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી જેમાં ઘટનાસ્થળે જ ત્રણ કામદારોના મોત થયા હતા. આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શહેરની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર  શહેર નજીક કોયલી ખાતે આવેલ રિલાયન્સ આઇપીસીએલના પીબીઆર-2 પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3: 30 વાગ્યા આસપાસ અચાનક ધડાકો થયો હતો અને આગ ભભૂકી હતી. જેમાં ગણતરીની સેકન્ડ્સમાં ત્રણ કામદારોના મોત થયા હતા. મૃતકોના નામ મહેન્દ્ર જાધવ, અરુણ ડાભી અને પ્રીતેશ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારજનો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને રિલાયન્સ કંપની દ્વારા બેદરકારી દાખવી હોવાથી આવી ઘટના ઘટી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. આ મામલે જાણ થતાં પોલીસ પણ રિલાયન્સ આઇપીસીએલ ખાતે દોડી ગઇ હતી અને લોકોને કંપનીની અંદર જતા અટકાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બ્લાસ્ટ થયો ત્યા રબર બની રહ્યું હતું અને તેનું કેમિકલ કામદારો પર પડતા ત્યાં જ તેમના મોત નિપજ્યા હતા. અન્ય કેટલાક કામદારો આ ઘટનામાં દાઝ્યા હોવાની પણ ચર્ચા છે.