મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ આમ તો ભાજપના કાર્યકર હોવામાં પણ એક અલગ જ પાવરની ફીલિંગ બધામાં જોવા મળતી હોય છે, એમાંય ભાજપના સાંસદ હોવ તો તો... કહેવું જ શું. જોકે લોકોના હાથમાં જ્યારથી કેમેરા અને સોશિયલ મીડિયાનો ટેકો આવ્યો છે ત્યારથી આવા લોકોનો પાવર લોકો સામે છત્તો થઈ જતો હોય છે. વડોદરામાં આજે મહાનગર પાલિકાની ચૂંટણીના મતદાન સમયે આવી જ એક ઘટના બનવા જઈ રહી હતી જેને કેમેરામાં કંડારી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં ચકચાર મચી ગઈ છે.

વડોદરાની કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન સાંસદ રંજનબેન ભટ્ટ સમા રોડ પર આવેલી એક શાળામાં સીધે સીધા મતદાન મથકના બુથ સુધી પહોંચી ગયા હતા. અહીં લોકો મત આપવા લાઈનમાં ઊભા હતા, પોતાના આઈડી સાથે. જોકે ત્યાં હાજર એક રાજકીય પાર્ટીના પોલ એજન્ટે તેનો વિરોધ કર્યો હતો. ભાજપના વોર્ડ નં 3માં પહેલાથી જ ટિકિટની વહેંચણીને લઈને કકળાટ હતો. જોકે હવે મતદાનના દિવસે વોર્ડ નં 3ની નૂતન વિદ્યાલયમાં મતદાન મથકમાં તેઓ પહોંચી ગયા જેનો વિરોધ કોંગ્રેસના પોલીંગ એજન્ટ દ્વારા કરવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જોકે તેઓ અહીં કેમ આવ્યા અને કેમ અંદર સુધી સીધે સીધા પહોંચ્યા તેની પાછળનો તેમનો ઈરાદો અહીં સ્પષ્ટ થઈ શક્યો ન્હોતો.


 

 

 

 

 

વીડિયોમાં વ્યક્તિ સાંસદ રંજનબેન પાસે પાસ માગે છે તેમનું આઈડી માગે છે જોકે તેઓ તે બાબત પર પોતાની કેવી સત્તા છે તેવા હાવભાવ સાથે તેને સાંભળ્યા ન સાંભળ્યા કરી અંદર પ્રવેશ કરી દે છે. અહીં ચૂંટણીના કામ કરી રહેલા કર્મચારીઓમાં પણ ભાજપના નેતા સામે બાથ ભીડવાનો ભય તેમના ચહેરા પર વાંચી શકાય છે. જોકે છત્તાં વીડિયો ચાલુ હોઈ તેઓએ પણ આ અયોગ્ય હોવાનું કહી પ્લીઝ કહીને ત્યાંથી રવાના થવા કહ્યું હતું. અચાનક બુથની લટાર શું કોઈ રીતે મતદારોની માનસિક સ્થિતિને અસર પહોંચાડશે કે કેમ કે પછી કોઈ રીતે મતદાનને છંછેડવાનો તેમનો ઈરાદો હતો? વગેરે જેવા સવાલો આજે અહીં થવા લાગ્યા છે. અહીં ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના સત્તાધીશો ચાહે તેમ કરે તેમને પુછવા વાળું કુતરું પણ નથી.