મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના બાર એશોશિએશનના એક વકીલના નામે ફેસબુક પર બોગસ એકાઉન્ટ બનાવીને કોઈ શખ્સ અન્ય વકીલો પાસેથી નાણાકીય મદદની માગણી કરી રહ્યો હોવાનો ખુલાસો વડોદરાના વકીલ હિતેશ ગુપ્તાએ કર્યો છે. તેમણે આ સંદર્ભે જ્યારે અન્ય વકીલ સાથે તેની વાત શેર કરી તો અન્ય ત્રણ વકીલે પણ પોતાને આવા મેસેજ આવ્યા હોવાનું તેમને કહ્યું હતું. આ અંગે એડવોકેટ રિતેષ ઠક્કર દ્વારા પણ સોશિયલ મીડિયા થકી અન્યોને જાણ કરાઈ હતી.

વકીલ હિતેશ ગુપ્તા સાથે મેરાન્યૂઝની વાતચિત થઈ ત્યારે તેમણે કહ્યું કે, વડોદરા બાર એશોશિએશનના વકીલ શકિલ શેખના નામે કોઈ શખ્સ દ્વારા ફેક ફેસબુક પ્રોફાઈલ બનાવવામાં આવી છે. આ શખ્સે શકિલ શેખના પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી ફોટોઝ અને અન્ય ડીટેઈલ્સ કોપી કરી લીધી જેથી અન્ય વકીલોને પ્રોફાઈલ સાચી હોય તેવો ભ્રમ ઊભો થાય.

તેમણે એવું પણ કહ્યું કે, મેને આ વ્યક્તિએ કોઈ તેના મિત્રના એકાઉન્ટ જેનું નામ પ્રકાશ કુમાર છે અને અંકિત શર્મા છે તેવા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું છે. શરૂઆતમાં જ્યારે તેણે મદદ માગી ત્યારે મેં મદદ રોકડમાં જોઈએ છે કે બેન્ક એકાઉન્ટમાં તેવું પુછ્યું તો તેણે મને બેન્ક ટ્રાન્સફર આપવાનું કહ્યું હતું.

આ શખ્સ સામે હાલ અમે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા કરી રહ્યા છીએ. જોકે જ્યારે આવા કોઈ ધૂતારા દ્વારા વકીલોની પાસે મદદ માગવામાં આવી રહી હોવાના મેસેજ મે ફરતા કર્યા ત્યારે મને ઘણા વકીલોના ફોન આવ્યા અને તેમાંથી ત્રણેક પાસેતો તેણે આ જ રીતે વાતચિત પણ કરી હોવાનું સામે આવ્યું હતું.