મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ બેન્કના ખાતામાંથી કોઈના રૂપિયા અચાનક ઉપડી ગયા અને તેની સાથે ચિટિંગ થયાના અહેવાલ ઘણા તમે સાંભળ્યા હશે. ગ્રાહકના નાણાં સેફ રાખવાના દાવા કરતી બેન્કો પોતાની સિક્યૂરિટી ચુકથી થયેલા નાણાંના ફ્રોડમાં પણ ગ્રાહકને હેરાન થવું પડતું હોય છે. જોકે હવે તો જાણે બેન્કના લોકર પણ સેફ ન હોય તેવી એક ઘટના સામે આવી છે. વડોદરામાં એક વ્યક્તિના બેન્ક ઓફ બરોડાના લોકરમાં મુકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ. વ્યક્તિને ફાટેલી તૂટેલી નોટો અને તેનો ભૂકો જ ત્યાં મળતાં મોતિયા મરી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં સ્કાયલાઈન કમર્શિયલ કોમ્પલેક્ષમાં આવેલી બેન્ક ઓફ બરોડા (બીઓબી)ની શાખાના બેન્ક લોકરમાં રેહાનાબેન કુટુબુદ્દીન ડેસરવાલાનું બેન્ક લોકર છે. તેમણે અહીં 252 નંબરનું બેન્ક લોકર રાખેલું હતું. જેમાં તેમણે રોકડ નાણાં મુક્યા હતા. લોકરમાં 5, 10, 100 અને 500ની ભારતીય ચલણી નોટો મળી કુલ રૂપિયા 2.20 લાખની રકમ તેમણે મુકી હતી.

આ લોકરમાં મુકેલા તેમના રૂપિયા જ્યારે તેઓ લેવા ગયા ત્યારે જોયું તો લોકરમાં ઉધઈએ રોકડ નાણાં ખાઈ નાખ્યા હતા. જેને કારણે નોટો ઉપયોગમાં લઈ શકાય તેમ ન્હોતી. બેન્કના લોકર્સમાં ઉધાઈ આવી ચુકી છે તેની જાણ સુદ્ધા બેન્કના કર્મચારીઓને થઈ ન્હોતી. કારણ કે લાંબા સમયથી લોકર્સ જેમના તેમ બંધ રહ્યા હોઈ શકે છે. તેમણે તુરંત આ સંદર્ભમાં બેન્કના મેનેજરનું ધ્યાન દોર્યું અને નાણાં પાછા મેળવવા વળતરની માગ કરી હતી.

જોકે હવે ચિંતા એ ઊભી થઈ છે કે આ લોકરની સાથે સાથે અન્ય લોકર્સમાં પણ ઉધાઈ આવી ગઈ હશે તો અન્ય કેટલા લોકોને કઈ કઈ મહત્વની વસ્તુઓમાં મુશ્કેલીઓ ઊભી થશે તે આવનારા સમયમાં ખબર પડશે. હાલ તો રેહાનાબેનની નોટો ભૂકો થઈ ગઈ છે. જોકે હવે બેન્ક તેમને કેવી રીતે મદદ કરે છે તે પણ જોવું રહ્યું.