મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લા આરોગ્ય તંત્રની સામે જ્યારે એક ઓડિયો ક્લીપ આવી ત્યારે સહુ કોઈ ચોંકી  ગયા હતા. આ ઓડિયો ક્લિપ એક લેબ સંચાલક અને તબીબી વચ્ચેની વાતચીતની હોવાનું કહેવાય છે. ઓડિયો ક્લિપ સોશ્યિલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહી છે. વડોદરા નજીકના વડુ ગામમાં આવેલી સ્વરા પેથોલોજી લેબના સંચાલક સચિન જોષી અને ડોક્ટર વચ્ચેની સાંઠગાંઠ તેમાંથી બહાર આવી છે. જેમાં લેબમાંથી આવતા રિપોર્ટમાં ડોક્ટરના કહ્યા પ્રમાણે જે રોગ લખવો હોય તે રોગનો રિપોર્ટ કાઢીને આપવાનું સેટિંગ કરી દેવાશે તેવી વાત છે. એટલે જ તો કેટલાક સલાહ આપતા હોય છે કે ડોક્ટર કહે તે લેબમાં તપાસ કરાવવા ન જવાય.

પેથોલોજી લેબ સંચાલક સચિન જોષી વડોદરાના મુજમહુડા ખાતે આવેલી મા લેબ સાથે પણ સંકળાયેલો હતો. પરંતુ તેની સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પાદરા તાલુકા આરોગ્ય અધિકારી વિમલસિંગે સ્વરા લેબ સામે વડુ પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી આપી છે. વડુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી મિનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે, પાદરા તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિમલસિંગને સૂચના આપતા તેઓ સ્થળ પર ગયા હતા. અને સ્વરા પેથોલોજી લેબોરેટરીને સીલ મારી દીધુ છે. સ્વરા લેબોરેટરીની બાજુમાં ડો. જૈમિન શાહનું ક્લિનીક આવેલુ છે, તેને પણ સીલ મારવામાં આવ્યું હતું.

ઓડિયોમાં સંભળાતી વાતચિત
લૅબ કર્મી : હું સ્વરા પૅથૉલૉજી લૅબમાંથી બોલું છું.
ડોક્ટર : હા, બોલો.
લૅબ કર્મી : તમારો ફોન આવ્યો હતો.
ડોક્ટર : હા.
લૅબ કર્મી : તમે કોઈ ચિંતા ન કરશો. તમે કહેશો એમ થઈ જશે. તમારી પોતાની જ લૅબ છે એવું જ સમજીને ચાલજો. તમારે કેટલા દર્દી હોય છે?
ડોક્ટર : અમારે કાનવા ગામ અંદર દવાખાનું છે. અમારે મહિને બિલ આવે. અમે કહીએ એટલે મેલેરિયા બતાવવાનો. રિપોર્ટ મારી પાસે જ રહેશે. તમે ચિંતા ન કરો.
લૅબ કર્મી : રિપોર્ટ તમારી પાસે રહે કે આગળ જાય, કોઈ ચિંતા નથી. વડોદરામાં આપણી ત્રણ પૅથૉલૉજી લૅબ છે. બધા ટેસ્ટ થઈ જશે.
ડોક્ટર : શું નામ છે તમારું.
લૅબ કર્મી : મારું નામ સચિન જોશી છે. રિપોર્ટનું પેમેન્ટ તમે તમારી પાસે રાખશો. તમે મને કેવી રીતે આપશો?
ડોક્ટર : હું દર બે દિવસ તમને પેમેન્ટ આપી દઈશ. મારે મહિને પેમેન્ટ લેવાનું હોય છે. હું કહું તેમ તમારે પેમેન્ટ બનાવી આપવાનું રહેશે.
લૅબ કર્મી : કોઈ વાંધો નહીં. થઈ જશે. તમે કાલે મળશો? હું રૂબરૂ આવી જાઉં. હું ઑન ધ વૅ હતો.
ડોક્ટર : એવું હોય તો શાંતિથી વાત કરીએ.
લૅબ કર્મી : વાંધો નહીં. તમે કહેશો એમ થઈ જશે. આવા કેસમાં મારે તમારું 40% રાખવાનું હોય. તમે એ રકમ કાપીને મને આપજો.
ડોક્ટર : હા, ચોક્કસ.
લૅબ કર્મી : તમે રિપોર્ટમાં મેલેરિયા કહેશો કે ટાઇફોઇડ એ પ્રમાણે સેટિંગ કરી આપીશું.
ડોક્ટર : ઓકે.
લૅબ કર્મી : તમને અમારો રેફરન્સ કોણે આપ્યો?
ડોક્ટર : હરેશ સોલંકી કરીને છે કોઈ.
લૅબ કર્મી : તેમનું બધું કામ આપણી પાસે જ આવે છે.
ડોક્ટર : બરાબર.
લૅબ કર્મી : આશા રાખું કે તમારું બધું કામ મને જ મળશે.
(આ ઓડિયોના પાત્રોની ખરાઈ હજું થઈ નથી, હાલ આ ઓડિયો તપાસનો એક વિષય છે)