મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના અલ્કાપુરી વિસ્તારની ઓફિસર્સ કોલોનીમાં રહેતા સિવિલ ડિફેન્સના એડિશનલ કલેક્ટરની લાશ તેમના ઘરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. જોકે આ સંદર્ભે સયાજીગંજ પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. સાથે જ તેમના ડ્રાઈવરે તેમના માથે બહુ ટોર્ચર હતું તેવો દાવો કર્યો છે, પરંતુ સયાજીગંજ પોલીસનો પ્રાથમિક અંદાજ હાર્ટ એટેક હોવાનો છે પરંતુ હજુ વધુ સ્પષ્ટતા પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પરથી થઈ શક્શે.

મળતી વિગતો અનુસાર અલ્કાપુરી વિસ્તારમાં ઓફિસર્સ કોલોનીમાં રહેતા 57 વર્ષિય સુરેશ ગામિત વડોદરામાં સિવિલ ડિફેન્સમાં એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. સુરેશ ગામિતનો પરિવાર જોકે સુરતમાં રહે છે. બનાવ એવો બન્યો કે ગત સાંજના સુમારે તેમનો ડ્રાઈવર સુધાકર સૂર્યવંશી તેમને ટિફિન આપવા તેમના ઘરે ગયો હતો. જોકે ઘરમાં પ્રવેશતા જ તેણે જોયું કે સુરેશભાઈ ખાટલામાં પડેલા હતા અને તેમના મોંઢામાંથી ફીણ નીકળેલું હતું.

ડ્રાઈવર આ દ્રશ્ય જોઈ રીતસર ગભરાઈ ગયો. સુરેશભાઈને તુરંત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને તપાસ્યા તો માલુમ પડ્યું કે તેઓ મૃત્યુ પામી ચુક્યા હતા. આ ઘટના સંદર્ભે સયાજીગંજ પોલીસને જાણ થતાં તેઓએ ગામિતના પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહીઓ હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પરથી ઘણી બાબતો સ્પષ્ટ થશે તેવો અંદાજ છે.

જોકે રિપોર્ટ અનુસાર તેમના ડ્રાઈવરનો દાવો એવો છે કે તેઓ ત્રણેક દિવસ પહેલા જ્યારે તેને મળ્યા ત્યારે તેઓ રડી રહ્યા હતા, જ્યારે ડ્રાઈરે પુછ્યું કે શું વાત છે તો તેમણે કહ્યું કે, કેટલાક દિવસથી ઓફિસમાં આવવાની ઈચછા નથી થતી અને પોતે પરેશાન હોવાનું કહ્યું હતું. જોકે આ સંદર્ભમાં સયાજીગંજ પોલીસે કોઈ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી પરંતુ પોલીસ હાલ એવા અંદાજમાં છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે. કારણ હજુ મૃતક પાસેથી કોઈ લખાણ કે અન્ય કોઈ એવી બાબત પણ મળી આવી નથી જેથી બીજી કોઈ શંકા ઉપજે.