મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: દેશના જૂદા જૂદા શહેરમાં રહેતા હાઇપ્રોફાઇલ ઉદ્યોગપતિઓની ડિટેઇલ મેળવી, મોર્ટગેજ લોન, પ્રોપર્ટી લોન, પ્રોજેક્ટ લોન અપાવવાના વાયદા કરી ઠગાબાજ ટોળકી લોન અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લેતા અને જ્યારે લોન પ્રોસેસની રકમનુ પેમેન્ટ આપવા ઉદ્યોગપતિ પહોંચે એટલે તાત્કાલીક નકલી પોલીસ પણ આવી પહોંચી ગાડી ચેકીંગ કરવાના બહાને રૂપિયા લઇ ફરાર થઇ જતી હતી. ભોપાલના એક ઉદ્યોગપતિ સાથે આ ઠગબાજ ટોળકીએ ઠગાઇના કારસો ઘડી નાખ્યો હતો. જ્યાં એક તરફ નકલી પોલીસ ગાડીમાં બેસેલી અસલી પોલીસનુ ચેકીંગ કરી રહીં હતી. તે જ સમયે નકલી પોલીસના પી.એસ.આઇને ગંધ આવી જતા ટોળકી દોડતી થઇ હતી. પરંતુ પીસીબીએ તમામ 13 ગઠીયાઓને ઝડપી પાડી ઠગબાજ ટોળકીનો પર્દાફાશ કરી નાખ્યો છે. જોકે આ ટોળકીમાં આણંદ શહેરના કોંગ્રેસના ઉપ્રમુખનો પણ સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત રહેતા સુભાચંદ્ર ચાવલાની ટુંક સમય પહેલા એક બિઝનેસ મીટિંગ દરમિયાન તેમના એક મિત્ર થકી જાણવા મળ્યું કે, આણંદમાં રહેતા નરેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓને મોટી રકમ ફાઇનાન્સ કરે છે. જેથી તેઓએ આણંદના બાકરોલ ખાતે રહેતા નરેન્દ્ર હિમ્મતભાઇ પટેલનો સંપર્ક કર્યો હતો. જોકે નરેન્દ્ર પટેલ ચીટીંગનો માસ્ટર માઇન્ડ છે અને અનેક વખત ભૂતકાળમાં તેની વિરૂદ્ધ ગુના નોંધાયેલા છે. પરંતુ ભોપાલના ઉદ્યોગપતિ આ વાતથી અજાણ હતા. જેથી તેઓ નરેન્દ્ર પટેલ અને તેમના પુત્ર મીરાજ પટેલ જે આણંદ કોંગ્રેસનો ઉપપ્રમુખ છે હાલમાં અને વર્ષ 2015માં ચૂંટણી પણ લડી ચુક્યો છે. જોકે આ બન્ને પિતા પુત્ર, બાપ નંબરી બેટા 10 નંબરીની વાત સાચી કરી બતાવી અનેક ઉદ્યોગપતિઓને ચુનો ચોપડી ચુક્યા છે.

જોકે આ ઠગબાજ ટોળકીની મોડસઓપરેન્ડી  એવી હતી કે જેમાં એક શખ્સ કમલ ઉર્ફે ચીરાગ મગનભાઇ પટેલ મોટા ઉદ્યોગપતિઓની પ્રોફાઇલ શોધી તેમને લોન અપાવવાની ખાતરી આપે અને ત્યારબાદ નરેન્દ્ર પટેલ અને મીરાજ પટેલ તેમની તથા મોંઘી હોટલોમાં મીટિંગ કરી તેમને કરોડોની લોન અપાવવાના સપના બાતવતો. જેમાં ભોપાલાના ઉદ્યોગપતિ સુભાષચંદ્ર ચાવલાને રૂ. 12 કરોડની પ્રોજેક્ટ લોન અપાવવા માટે રૂ. 30 લાખ ખર્ચ પેટે થશે તેવુ જણાવી પ્રથમ તબક્કે રૂ. 15 લાખ લઇ લીધા અને ત્યારબાદ થોડા દિવસો સુધી સંપર્ક વિહોણા થઇ ગયા હતા. જોકે એકા એકા થોડા દિવસો બાદ ઠગબાજ ટોળકીએ ઉદ્યોગપતિનો સંપર્ક કરી જણાવ્યુ કે બીજા 15 લાખની જરૂર પડી છે. જોકે આ વાત સાંભળતા ઉદ્યોગપતિ છેતરાયા હોવાનો અંદાજો આવી ગયો હતો. જેથી તેમને વડોદરા પોલીસ કમિશ્નર મનોજ શશીધરનો સંપર્ક કર્યો અને ત્યારબાદ સમગ્ર મામલો પ્રીવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (પીસીબી) પાસે પહોંચ્યો હતો. પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ વ્યાસ અને તેમની ટીમે છટકુ ગોઠવી શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી વેલકમ હોટલ પાસેથી એક ફોર્ચ્યુનર કારમાં સવાર MLA Gujarat બોર્ડ લગાડી ફરતા મીરાજ પટેલને ઝડપી પાડ્યો અને ત્યારબાદ ધરપકડનો સીલસીલો શરુ થયો. જેમાં જંબુસર હાઇવે પર રૂપિયા ભરેલી ગાડીમાં થોડીવારમા તપાસ થશે તેવી જાણકારી ઠગબાજ ટોળકીની બીજી ટીમ એટલે નકલી પોલીસને આપવામાં આવી. જેથી નકલી પોલીસ પ્લાન મુજબ ગોઠવાઇ ગઇ અને જ્યાં રૂપિયા ભરેલી ગાડી રસ્તા પર આવી ત્યાં નકલી પોલીસે ગાડી રોકીને ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં નકલી પોલીસના પી.એસ.આઇ. રાકેશ.બી. સોલંકીએ ગાડી ચાલક પાસે લાયસન્સ માંગતા તેમને લાઇસન્સ નથી સાહેબ તેવુ કહીં ગાડીનો કાચ પુરે પુરો નીચે ઉતાર્યો અને કાર ચાલકને જોતા જ નકલી પોલીસના પી.એસ. આઇ આર.બી સોલંકીને ખ્યાલ આવી ગયો કે કાર ચાલક તો અસલી પોલીસ છે અને તે બીજુ કોઇ નહીં પણ પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ.વ્યાસ છે અને તેણે ભાગવાનો પ્રયત્ન કરતા તે ઝડપાયો હતો. આમ કરતા કરતા ગણતરીના કલાકોમાં વડોદરા શહેર પોલીસની પીસીબીની ટીમે ઠગબાજ ટોળકી અને નકલી પોલીસ સહીતના 13 ગઠીયાઓને ઝડપી પાડી સમગ્ર મામલાનો પર્દાફાશ કરી નાખ્યો.

જોકે સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર મનોજ શશીધરે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આ ઠગબાજ ટોળકી આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો આમા સામેલ છે. આ ટોળકી બે ભાગમાં વેંહચાયેલી છે, જેમાં એક ટીમ ઉદ્યોગપતિઓને લોન આપવા માટે ડીલ કરે, જેમાં લોન લેનારને પેટી ભરીને કરોડો રૂપિયાની રોકડ રકમ બતાવી રૂપિયા હોવાની ખાતરી અપાવતી. પરંતુ પેટીમાં મુકેલી રોકડ રકમમાં માત્ર ઉપર મુકેલી નોટો જ સાચી હોય, બાકી નીચે તો એશ્વર્યા રાયના ફોટોવાળી ચિલ્ડ્રન બેન્કની નોટોની ગડ્ડીઓ મુકવામા આવતી. ડીલ ફાઇનલ થયા બાદ ઉદ્યોગપતિ અથવા વેપારીને ગાડીમાં બેસાડી નક્કી કરાયેલા સ્થળ પર લઇ જવામાં આવે અને પ્લાન મુજબ રસ્તામાં નકલી પોલીસ ઊભી રાખી ગાડીમાં ચેકિંગ હાથધરી તમામ રૂપિયા ટોળકીની બીજી ટીમ એટલે નકલી પોલીસ લઇ જતી અને ત્યારબાદ ટોળકીના તમામ સભ્યોને 10 હજાર રૂપિયા આપવામાં આવતા અને બાકીની મોટાભાગની રકમ માસ્ટર માઇન્ડ નરેન્દ્ર પટેલ તેનો પુત્ર મીરાજ અને કમલ ઉર્ફે ચિરાગ વચ્ચે વહેંચવામાં આવતી. જોકે ટોળકી પાસેથી કુલ રૂ. 19,45,565 રોકડા અને ત્રણ વૈભવી કાર પોલીસે કબજે કરી છે, જ્યારે ટોળકી પાસેની કારમાંથી એમ.એલ.એ. ગુજરાત લખેલી પ્લેટ તથા સોજીત્રાના ધારાસભ્ય પુનચંદ પરમારનુ કલર ઝેરોઝ વાળુ આઇકાર્ડ અને પ્રેસ કાર્ડ પણ પોલીસે કબજે કર્યું છે. તમામ પ્રક્રિયામાં તેઓ બડે પટેલ (નરેન્દ્ર પટેલ) અને છોટે પટેલ (મીરાજ પટેલ) કોડ વર્ડનો ઉપયોગ કરતા.

ઠગબાજ ટોળકીના ઝડપાયેલા સભ્યો: કમલ ઉર્ફે ચીરાગ મગનભાઇ પટેલ, સામાજીક કાર્યકર છે. તથા સમગ્ર ગુજરાત રાજ્યના તળપદા સમાજ પ્રમુખ હોવાનુ જણાવે છે. આ ગુનામાં કમલ ડેટા ભેગો કરી લોકોને ફોન ઉપર વાત કરી લોન લેવા માટે સમજાવતો. મીરાજ નરેન્દ્રભાઇ પટેલ, દિગેશ ભુપેન્દ્રભાઇ મીસ્ત્રી મુખ્ય આરોપી નરેન્દ્ર પટેલનો જમાઇ, ધ્રુવ અલ્પેશભાઇ પટેલ, ચીટીંગ દરમિયાન મીરાજને સપોર્ટ કરતો, કૃણાલ રાકેશ સોલંકી, ડુપ્લીકેટ પોલીસના પી.એસ.આઇનો પુત્ર, કીરીટ ચતુરભાઇ પટેલ ડુપ્લીકેટ પોલીસ ઇન્સપેક્ટર, રાકેશ બાબુભાઇ સોલંકી ડુપ્લીકેટ પોલીસ સબ ઇન્સપેક્ટર, જયંતી ચતુરભાઇ વાઘેલા ડુપ્લીકેટ એ.એસ.આઇ, રમેશ ચતુરભાઇ બારીયા ડુપ્લીકેટ પોલીસ ડ્રાઇવર, અરવિંદ વિનુભાઇ રાજમલ ડુપ્લીકેટ પોલીસ કોન્સટેબલ, બચુભાઇ મગનભાઇ હરીજન ડુપ્લીકેટ પોલીસ કોન્સટેબલ, નિમેષ બાબુભાઇ પંચાલ ડુપ્લીકેટ કોન્સટેબલ, નરેન્દ્ર હીમ્મતભાઇ પટેલ મુખ્યસૂત્રધાર માસ્ટર માઇન્ડ અને ગેંગનો રીંગ લીડર