મેરાન્યૂઝ નેટવર્ક.વડનગરઃ વડનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી  મહોત્સવમાં ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા હતા. આ ઉપરાંત જોવા જેવી બાબત એ હતી કે, મહોત્સવમાં ઝાકમઝોળ ઊભી કરવામાં કાંઈ બાકી ન રાખતી સરકારના આ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જ સામે આવે છે. આ વખતના મહોત્સવમાં તો લગભગ 70 ટકાથી વધુ ખુરશીઓ ખાલી હતી. મહોત્સવમાં કલાકારોએ તો રેકોર્ડ બનાવ્યો પરંતુ સરકારે પણ ખર્ચા બેફામ કરીને પોતાની અક્કલનું પ્રદર્શન પણ કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કલા સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ થઇ રહ્યું છે. આ ઐતિહાસિક ભુમિ પર આજે ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે. કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે. સંગીત બેલડી તાના-રીરી બહેનોની સ્મૃતિમાં યોજાતો આ મહોત્સવમાં આજે નાવીન્ય ઉમેરાયું છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩થી તાના-રીરી મહોત્સવની શરૂઆત કરી છે. સંગીત સામ્રજ્ઞીની યાદમાં કારતક સુદ નોમ અને દશમના દિવસે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મહોત્સવ સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પણ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે અહીં તસવીરોમાં ઝાકમઝોળ ઊભી કરવા માટે થયેલા ખર્ચનો અંદાજ લગાવી શકાય છે. સાથે જ લોકોને મહોત્સવમાં કેટલો રસ છે તે પણ જોઈ શકાય છે. ઉપરાંત સરકાર દ્વારા ખર્ચ અને ઉત્સવમાં કેવા નાણાંનો વેળફાટ કરાય છે તે પણ જોઈ શકાય છે.