મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા મથકે રહેતી એક પરિણીતા એ પોતાના પતિની પ્રેમી પાસે હત્યા કરાવી દેતાં વડગામ પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ તહોમતદારને ઝડપી લઇને કડક હાથે તપાસ કરતાં તહોમતદારે ગુનો કબૂલી પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઇ હોવાનું બહાર આવવા પામ્યું હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે.

વડગામના આંબેડકરનગર પરા  વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પાનાભાઇ પરમાર ઉ.વર્ષ. આશરે ૩૮ ના લગ્ન વડગામ તાલુકાના પિરોજપુરા (છાપી) ખાતે જશોદાબેન સાથે રિતરીવાઝ મુજબ કરાયા હતા. આ બંન્નેના ઘર સંસાર દરમ્યાન ચાર સંતાન થયાં હતાં. બે વર્ષ પહેલાં જ જશોદાબેનને વડગામ તાલુકાના કોટડી ગામના નરેશભાઈ કાન્તીભાઈ પરમાર સાથે આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. રવિવારના સાંજના સમયે સુરેશભાઈ અને તેમની પત્ની જશોદાબેન વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતાં જશોદાએ પોતાના પ્રેમી નરેશભાઈ કાન્તીભાઈ પરમારને ફોન કરીને પોતાના પતિ તેને હેરાન કરતો હોય એમ જણાવીને તેને મારી નાખવા જણાવ્યું હતું, અને જો તું તેને ન મારે તો હું જાતે મરી જઇશ તેવું જણાવ્યું હતું.

બાદમાં આ મહિલાના પ્રેમીએ પ્રેમિકાના પતિ ને મારવા માટેનો પ્લાન બનાવીને તેને સાડા આઠ વાગ્યાની આસપાસ સુરેશભાઇ ના મોબાઈલ ઉપર ફોન કરીને હું મેમદપુર ગામમાંથી બોલું અને કહ્યું કે, એક વર્ધિ છે એક કાકાને વડગામ દવાખાને લઇ જવાના છે તો આવો છો તેમ કહેતાં બાદમાં આ યુવકે કઇ જગ્યાએ આવવાનું કહેતાં તમે મેમદપુર જવાના રસ્તા પર આવો, હું રસ્તામાં જ બાઇક લઇને ઊભો છું. તેમ જણાવતાં આ યુવક રિક્ષા લઇને મેમદપુર વર્ધિમાં જવાનું કહીને નિકળ્યો હતો. વડગામ મેમદપુર વચ્ચે આવેલ લક્ષ્મણ ટેકરી નજીક આવેલા એક ખેતર જવાના રસ્તા પાસે બાઇક ઊભું રાખીને રિક્ષા સાથે યુવકને લઈ જઈને ખેતરમાંથી કાકાને લાવે છે. તેમ કહીને ઊભા રહેતા આ રિક્ષા ચાલક રિક્ષામાંથી નિચે ઉતરીને રાહ જોતા ઉભો રહ્યો હતો.

પાછળથી નરેશભાઈ પરમાર દ્વારા શર્ટના પાછળના ભાગે સંતાડેલો ધોકો માથાના ભાગે મારતાં સુરેશ બેભાન થઈને નિચે પટકાતાં આ જશોદાબેનનો પ્રેમી નરેશ પરમાર તેની છાતી ઉપર બેસી જઇને છાતી તેમજ માથા ભાગે બોથડ વસ્તુ મારી ગળુ દબાવી દઈને આ યુવકની હત્યા કરી હતી, અને રાતના પોતે ત્યાંથી નાસી ગયો હતો મોડે સુધી વર્ધિમાં ગયેલ સુરેશભાઈ ઘરે ન આવતાં તેમના પરિવાર જનોએ શોધખોળ કરી હતી, પણ ન મળતાં હારી થાકીને રાત વિતાવી હતી. સવારમાં મેમદપુરની સીમમાં કોઇ લાશ પડી હોવાનું તેના કુટુંબીજનો ને થતાં તેનો ભાઇ દોડી જઇને તપાસ કરતાં તેના ભાઈની લાશ હોવાનું જાણવા મળ્યું હતું અને આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને વડગામ સી.એચ.સી. ખાતે પી.એમ માટે લઈ જવામાં આવી હતી. બાદમાં તપાસ કરતાં શંકા સ્પદ યુવકને ગણતરીના સમયમાં જ ઝડપી લઇને કડક પુછપરછ હાથ ધરતાં આ યુવક પડી ભાગ્યો હતો અને પોતે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસ દ્વારા નરેશભાઈ કાન્તીભાઈ પરમાર અને મરણ જનાર યુવક સુરેશની પત્ની જશોદાને ઝડપી હત્યા અંગેનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

બ.કા. એસ.પી. પ્રદિપ સેજુવાળ તેમજ ડીવાયએસપી એ.આર.જણકાત વડગામ દોડી આવીને એફએસએલની મદદ લઇને ગુનો ડીટેક્ટ કરવા જહેમત ઉઠાવી હતી. ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી લીધો હતો. પ્રેમ પ્રકરણમાં પત્નીએ જ પ્રેમી પાસે પોતાના પતિની હત્યા કરાવી કરાવી હોવાનું જાણવા મળ્યું છે.