કિરણ કાપૂરે (​​​​​​​મેરાન્યૂઝ.અમદાવાદ) : કોરોના રસી આપવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને તેમાં સૌપ્રથમ બાજી મારી છે યુનાઇટેડ કિંગડમે. ફાઇઝર અને બાયોટેક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીનને યુનાઇટેડ કિંગડમની રેગ્યુલેટરી એજન્સીએ મંજૂરી આપી છે. રસીને લઈને ભારતમાં પણ હવે ઇંતેજારી વધી છે. ભારતમાં રસીનું કામ ફાઇનલ સ્ટેજમાં છે અને ગત્ અઠવાડિયે જ વડાપ્રધાને જાતે જ ત્રણ શહેરનો પ્રવાસ કરીને તેનું નિરીક્ષણ કર્યું હતું.

દેશમાં ઓક્સફોર્ડ અને સેરમના સહયોગથી જાન્યુઆરી સુધીમાં રસી આવી જશે તેવું અનુમાન છે. જોકે રસી અંગે સૌથી અગત્યનો પ્રશ્ન છે કે રસી સૌપ્રથમ કોને, કેવી રીતે અને ક્યારે આપવામાં આવશે. જેમ રસીનું પરીક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે ત્યાં બીજી બાજુ તેનું આયોજનબદ્ધ અને ન્યાયી રીતે ડિસ્ટ્રબ્યુશન થાય તેના પર પણ કામ થઈ રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘નેશનલ વેક્સીન કમિટી’ની રચના કરવામાં આવી છે. આ કમિટીની અધ્યક્ષતા વિનોદ પોલ કરી રહ્યા છે. કોરોનાની મહામારી અંગે વિનોદ પોલે વડાપ્રધાનના સલાહકારની ભૂમિકા ભજવી છે. કોરોની રસીની બ્લ્યૂ પ્રિન્ટ અંગે ફાઇનલ નિર્ણય વિનોદ પોલ જ લેવાન છે. વિનોદ પોલને આ જવાબદારી મળી છે તેનું કારણ તેમનો મજબૂત પ્રોફાઇલ તો છે જ, તે ઉપરાંત કોરોનાના સમયમાં વડાપ્રધાનને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનું પણ કારણ છે. વિનોદ પોલ ‘નિતી આયોગ’ના ફૂલટાઇમ મેમ્બર છે અને દિલ્હીની ‘એઇમ્સ’ હોસ્પિટલમાં તેઓ ફેકલ્ટી મેમ્બર છે. જાહેર સ્વાસ્થ ક્ષેત્રે તેઓ અનેક પ્રોગ્રામની અધ્યક્ષતા કરી ચૂક્યા છે. જેમ કે, દેશમાં નવજાત બાળકો અને માતાના સ્વાસ્થ્ય પ્રોગ્રામમાં તેમની સલાહ અચૂક લેવાય છે. બહોળો અનુભવ હોવાના કારણે જ કેન્દ્ર સરકારે તેમને રસીનું આયોજન કરવાનું સોંપ્યું છે.

આ કમિટિના અન્ય એક મુખ્ય સભ્ય કે. વિજયરાઘવન છે. તેઓ કેન્દ્ર સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝર છે અને કોરોનાની શરૂઆતથી દેશની સ્થિતિનું આકલન કરી રહ્યા છે. હાલમાં વિજયરાઘવને એવી માહિતી આપી હતી કે, ભારતમાં પ્રથમ રાઉન્ડમાં કોરોના રસી ત્રીસ કરોડ લોકોને આપવામાં આવશે. આમાં સૌપ્રથમ ક્રમ કોરોના વોરીયર્સનો છે. રસી આપવામાં પછીના તબક્કાનો ક્રમ આવશે તે પાંસઠથી વધુ ઉંમર ધરાવતા લોકોનો અને ત્યાર બાદ પચાસથી વધુ ઉંમરના લોકોને રસી આપવા માટે અગ્રિમતા આપવામાં આવશે. પચાસથી નીચે સ્વસ્થ લોકોને રસી આપતા અગાઉ જેઓ અન્ય બીમારી ધરાવે છે તેઓને પ્રાથમિકતા આપવામાં આવનાર છે. બાળકોને રસી આપવાનું હજુ નિશ્ચિત થયું નથી. કેન્દ્રએ જેમ રસી આપવા અંગે પ્રાથમિકતા નક્કી કરી છે તે પ્રમાણે કેન્દ્રએ રાજ્ય સરકારોને પણ નિર્દેશ કર્યો છે કે તેઓ પણ રાજ્યસ્તરે આવી કમિટીનું ગઠન કરે.