કિરણ કાપુરે (મેરાન્યૂઝ.અમદાવાદ): વિદેશોમાં કોરોના લગભગ વિદાય લઈ ચૂક્યો છે તેવા ન્યૂઝ આવી રહ્યા છે. ઝડપી વેક્સિનેશનના કારણે ત્યાં હવે નિયમો સાથે બધું રાબેતા મુજબ થવા જઈ રહ્યું છે. આવનારાં એકેડેમિક વર્ષનું શિક્ષણ પણ ત્યાં શરૂ થશે અને તેમાં એડમિશન લેનારાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ પણ છે. પરંતુ વિદેશમાં અભ્યાસ અર્થે જવા ઇચ્છતા આ વિદ્યાર્થીઓ હાલ મુશ્કેલીમાં ફસાયા છે, તેઓને મહદંશે કોવિક્સિન રસી આપવામાં આવી રહી છે, જેની મંજૂરી મોટા ભાગના દેશોએ આપી નથી. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેને પણ કોવિક્સિનને એપ્રૂવલ આપી નથી. આ કારણે વિદ્યાર્થીઓ ઓક્સફોર્ડ નિર્મિત કોવિશિલ્ડ વેક્સિન લેવા માટે અરજ કરી રહ્યા છે. તેમની આ અરજને સ્વીકારનાર કેરળ અને મુંબઈ કોર્પોરેશન છે. કેરળ અને મુંબઈ કોર્પોરેશન દ્વારા જે વિદ્યાર્થીઓને વિદેશ જવાનું છે તેમને પ્રાથમિકતાના ધોરણે કોવિશિલ્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મુંબઈ કોર્પોરેશને તો વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન વિના જ વેક્સિન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

અભ્યાસ અર્થે વિદેશ જવા ઇચ્છતાં વિદ્યાર્થીઓનું આવનારું એકેડેમિક વર્ષ બે-ત્રણ મહિનામાં શરૂ થશે અને હાલમાં દેશમાં જે ધીમે ગતિએ વેક્સિનેશન થઈ રહ્યું છે તેમાં આ વિદ્યાર્થીઓ પોતાનું વર્ષ ન બગડે તેની ચિંતામાં છે. મુંબઈ કોર્પોરેશનને આ વાત ધ્યાનમાં આવતાં તુરંત જ તે માટે વ્યવસ્થા કરી. આ માટે વિદ્યાર્થીઓએ એડમિશન લેટર અને અન્ય પ્રમાણ રજૂ કરવા પડશે. મુંબઈમાં જ માત્ર બે હજારથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે વિદેશમાં અભ્યાસ અર્થે જવાના છે. મહારાષ્ટ્ર સરકાર આવનારા દિવસોમાં અન્ય શહેરોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવશે.

Advertisement


 

 

 

 

 

કેરળ સ્વાસ્થ્ય વિભાગે તો વિદેશ અભ્યાસ અર્થે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનના નવા નિયમોમાં છૂટછાટ લેવા માટે કેન્દ્ર સરકારને અરજી પણ કરી છે. નવા નિયમ મુજબ બીજો ડોઝ ત્રણ મહિના પછી લેવાનું સૂચન છે, પરંતુ વિદેશમાં અભ્યાસ અર્થે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસે એટલો સમય રહ્યો નથી, તેથી કેરળ સાસ્થ્ય વિભાગે વિદ્યાર્થીઓ માટે અગાઉના ચારથી છ અઠવાડિયાના જ અંતરને માન્ય રાખવાનું સૂચન કર્યું હતું. જોકે કેન્દ્ર સરકાર દ્વારા જવાબ ન આવ્યો હોવાથી કેરળના સ્વાસ્થ્ય વિભાગે નિર્ણય લઈને હવે વિદ્યાર્થીઓને એક મહિનાના અંતરે કોવિશીલ્ડ વેક્સિન આપવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સરળતા થાય તે માટે વેક્સિનેશન સર્ટિફિકેટમાં પાસપોર્ટનો નંબર આવે તેવી વ્યવસ્થા પણ કરી છે. અનેક દેશો વેક્સિનેશન સર્ટિફિકેટ એ રીતે માંગી રહ્યા છે, જેનો અમલ કેરળ સરકારે તુરંત કર્યો છે.

વેક્સિન અંગે બધા જ દેશોએ પોતપોતાના નિયમો બનાવ્યા છે. જેમ કે કેનેડા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કેનેડાની વેબસાઈટ પર કોવિશીલ્ડને મંજૂરી આપવામાં આવી છે, કેનેડાની આ યાદીમાં કોવિક્સિનનું નામ નથી. એટલે કોઈ વિદ્યાર્થી કોવિક્સિન લઈને ત્યાં જવાનું જોખમ લેવા માંગતા નથી. આઇરલેન્ડમાં જેઓ કોવિશીલ્ડ વેક્સિન લઈને આવતાં હોય તેઓને ફરજિયાત હોટલ ક્વોરન્ટાઈનમાંથી મુક્તિ મળે છે. તેઓ ઘરે ક્વોરન્ટાઈન રહી શકે છે. આઈરલેન્ડની યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર મુંબઈના એક વિદ્યાર્થી કારા રેબેલો મુજબ જો કોવિક્સન લઈને આઈરલેન્ડમાં પ્રવેશે તો 12 દિવસનું હોટલ ક્વોરન્ટાઈન ફરજિયાત છે, જેનો ખર્ચ દોઢ લાખની આસપાસ થાય છે. આ ખર્ચ કોઈ વિદ્યાર્થીને ન પોસાય.

આ જ રીતે મુંબઈ કોર્પોરેશને પાછલાં એક વર્ષમાં બાળકને જન્મ આપનારી માતાઓ માટે પણ વેક્સિનેશનની વિશેષ સુવિધા ઊભી કરી છે.