મેરાન્યૂઝ નેટવર્ક, અરવલ્લી: આપણી ભારતીય ભાતીગળ સંસ્કૃતિનો માનવ-જીવન માં જાદુ જ કઈ ઓર છે સમગ્ર વર્ષ દરમિયાન જુદી જુદી ઋતુઓમાં આવતા અવનવા-ઉત્સવોની ઉજવણી કરી માનવી મનોનું બોજ હળવો કરે છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં વસવાટ કરતા આદિવાસી સમાજ કેટલાક તહેવારની અનોખી ઉજવણી કરતા હોય છે. ઉત્તરાયણ પર્વમાં જંગલમાંથી દેવ ચકલી પકડી લાવી ઘી-ગોળ ખવડાવી પૂજા અર્ચના કરી ઉડાડવામાં આવે છે. જેના પરથી વરસનો વર્તારો કાઢવામાં આવે છે.
 
ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરતા આદિવાસી સમાજના યુવાનો અને અગ્રણીઓના જણાવ્યા અનુસાર ગામ અને પરાના અગેવાન ના ત્યાં સવારે એકઠા થાય છે. ત્યારબાદ સૌ ભાઈઓ ગામ નજીક સીમાડા જગલોમા ટોળાબાંધી નીકળી પડે છે અને ત્યાં જઈ પક્ષીઓ માં ખુબજ સુકનિયાળ ગણાતી એવી દેવચકલી (દેવલી  ને પકડવા પાછળ દોડે છે. અંતે ખુબજ દોડા દોડી અને ઉડા ઉડ પછી થાકી ગયેલી દેવચકલી પકડાઈ જાય છે અને તેને પકડી હોંકારા- દેકારા કરતા આ ભાઈઓ ગામ તરફ પાછા ફરે છે. આ વખતે દેવચકલી પકડી લાવનાર ભાઈઓનું અન્ય ગામોનું ઢોલ-નગારા જેવા વાદ્યો વગાડી નાચતા કુદતા સામૈયું  કરે છે. ત્યાર બાદ દેવચકલીને ગામના મંદિરે લાવવામાં આવે છે અને દેવ-દેવીઓની સાક્ષીએ દેવચકલી એક પાત્રમાં રાખેલા ઘી-ગોળ ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ આગેવાન આ દેવચકલીને ઉડાડી મૂકે છે. પછી ગ્રામજનો દેવચકલી જે તરફ જાય ત્યાં પાછળ દોડી દેવચકલી ત્યાં બેસે છે તે જુએ છે. ઘી-ગોળ ખાઈને ઉડેલી દેવચકલી જેવા વૃક્ષ પર બેસે તે પરથી વર્ષ ફળ નક્કી કરવામાં આવે છે. જો દેવચકલી લીલા વૃક્ષ પર બેસે તો વર્ષ સારું જશે અને સૂકા વૃક્ષ કે સુકી જમીન અથવા પથ્થર પર બેસે તો વર્ષ સૂકું જશે તેવુ વર્ષફળ નક્કી કરવામાં આવે છે.

ત્યારબાદ સૌ ગામજનો છુટા પડે છે અને એ જ દિવસે પૂન: સાંજે આખું ગામ ગામના ચોરૈયામાં આબાલ વૃદ્ધ સહિત એકઠું થાય છે અને ઢોલ નગારા જેવા વાગો વગાડીને તેના તાલે મોડી રાત સુધી નાચે છે અને પોતાની લાક્ષણિક ઢબે ગાય છે. ત્યારબાદ ગામ આગેવાન વતી સૌને ગોળ વહેંચવામાં આવે છે અને સૌ વર્ષફળ જાણી ઉતરાયણ પર્વની ઉજવણી કરી મો મીઠું કરી સૌ વિસર્જિત થાય છે. આ રીતે વર્ષફળ જાણવાનો અનોખો ઉત્સવ આજે આદિવાસી વસ્તી ધરાવતા ગામોના આદિવાસી ભાઈઓ-બહેનો છેલ્લા કેટલાય વર્ષથી પરંપરાગત રીતે ઉજવે છે રીતે વર્ષફળ જાણવાની આ આદિવાસીઓની ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી પાછળ જે કાંઈ શ્રદ્ધા ગણો કે અન્ય કોઈ પણ પરંતુ આ વિસ્તારમાં ઉજવાતા આ શ્રધ્ધામય ઉત્સવની ઉજવણી આજના સેટેલાઇટ યુગમાં પણ અંકબંધ જળવાઈ રહી છે. આ વર્ષે દેવચકલી લીલા ઝાડ પર બેસતા વર્ષ ફળ સારું જશે તેવુ નક્કી થયુ છે એમ ગ્રામજનોએ જણાવ્યુ હતું.