મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી :ઉત્તરાખંડમાં વરસાદથી આવેલી તબાહીમાં ૫ થી વધુ લોકોના મોત થયા છે. ચમોલી ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે નંદાકિની નદીમાં પૂર આવી ગયુ છે. નદીના જળ સ્તરમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. ગંગાના તોફાનથી ઋષિકેશમાં તમામ ઘાટ જળમગ્ન થયા છે.રાજ્યમાં ભારે તબાહી સર્જી છે. ગુજરાતમાંથી અનેક લોકો ચારધામની યાત્રા પર હોવાથી સરકાર અને પરિવારજનો ચિંતીત બન્યા છે. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના નાપડા ગામના ૪ યાત્રાળુઓ પણ ઉત્તરાખંડમાં હોવાથી પરિવારજનો ચિંતીત બન્યા હતા. સદનસીબે ચારેય લોકો કેદારનાથની ૫૦ કિમી દૂર સલામત હોટલમાં હોવાની માહીતી પ્રાપ્ત થતા પરિવારજનો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. 

ઉત્તરાખંડમાં વરસાદે જળ પ્રલય જેવી સ્થિતિ સર્જી છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે રાજ્યમાં તબાહી મચી ગઈ છે. કેદારનાથ દર્શનાર્થે પહોંચેલા ભિલોડા તાલુકાના નાપડા ગામના કનુભાઈ રણછોડ ભાઈ વણઝારા, હિતેશ કુમાર રણછોડભાઈ વણઝારા, પવન કુમાર રણછોડભાઈ વણઝારા અને નકુલ કુમાર ઈશ્વરભાઈ વણઝારા છેલ્લા ચાર દિવસથી કેદારનાથથી ૫૦ કિલોમીટર દૂર તિલવાર વિસ્તારમાં એક હોટલમાં રોકાણ કરી રહ્યા હોવાના અને સુરક્ષીત હોવાનું પરિવારજનોને જણાવતા પરિવારજનો અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જીલ્લા અધીક કલેકટરે પણ ચારે યાત્રાળુઓ સુરક્ષીત હોવાનું અને તંત્રના સતત સંપર્કમાં હોવાનું ટ્વીટપર ટ્વીટ કરી માહીતી આપી હતી.