મેરાન્યૂઝ નેટવર્ક.દેહરાદૂનઃ 8 મહિના પહેલા ઉત્તરી કશ્મીરમાં બરફમાં લપસી જતાં ગુમ થઈ ગયેલા ઉત્તરાખંડના એક શહીદ જવાન રાજેન્દ્રનો પાર્થિવ દેહ બારામુલા જિલ્લા સ્થિત ગુલમર્ગ વિસ્તારમાંથી મળી આવ્યો છે. પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર શહીદ જવાન રાજેન્દ્રનો પાર્થિવ દેહ દેહરાદૂન પહોંચવાની સંભાવના હતી, પરંતુ હવે કહેવાઈ રહ્યું છે કે તેમનો દેહ પરિજનો સુધી 18મી ઓગસ્ટ સુધી પહોંચશે. જોકે તેના કેટલાક કારણો પણ સામે આવ્યા છે.

સેના તરફથી મળી રહેલી જાણકારીઓ પ્રમાણે, જવાનના પાર્થિવ શરિરનો કોવિડ ટેસ્ટ જ્મ્મૂમાં સેનાની હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યો છે જે તમામ પ્રક્રિયાઓ પુરી થવામાં બે દિવસનો સમય લાગવાની શક્યતાઓ છે. તેવામાં જવાનના પાર્થિવ શરીરને બે દિવસ બાદ દેહરાદૂન લાવવામાં આવશે. જવાનનો દેહ મળ્યાની સૂચના પછીથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની આંખો હવે જાણે સતત રાજેન્દ્રના દેહ આવવાની પ્રતિક્ષા કરી રહી છે.

સરકાર કરી ચુકી હતી શહીદ જાહેર

આપને એ જાણકારી આપી દઈએ કે, શહીદ હવાલદાર રાજેન્દ્ર સિંહ 11 ગઢવાલમાં તૈનાત હતા. ગત 8 જાન્યુઆરીએ ગુલમર્ગમાં ડ્યૂટી દરમિયાન તે હિમપ્રપાતને કારણે લપસીને પાકિસ્તાનની બોર્ડર તરફ પડી ગયા હતા. તેમની ઘણી શોધખોળ કરાયા પછી પણ તેઓ મળી આવ્યા ન હતા. જે પછી સેનાએ તેમને ગયા મહિને જ શહીદ જાહેર કરી દીધા હતા.

જોકે સૈન્યના જવાનો અને બચાવ દળએ બરફમાં ખોવાયેલા જવાનની ઘણા દિવસો સુધી તપાસ ચાલુ રાખી હતી, પણ તે સમયે કાંઈ ખબર પડી શકી ન હતી. આ બાબતે તેમના ઘરમાં ચિઠ્ઠી પણ મોકલી દેવાઈ હતી. સેના દ્વારા શહીદ જાહેર થયા પછી પણ હવાલદાર રાજેન્દ્ર સિંહની પત્ની રાજેશ્વરી તે માનવા તૈયાર ન હતી.

તેમના અને તેમના પરિવારનું કહેવું હતું કે જવાન નિયંત્રણ રેખા પર તૈનાત હતા, બની શકે કે હિમસ્ખલનની ઝપેટમાં આવીને તે પાકિસ્તાન જતા રહ્યા હોય. તેમની પત્ની રાજેશ્વરીએ આ અંગે વડાપ્રધાન, રક્ષામંત્રી અને સેના પ્રમુખને પત્ર લખીને પાકિસ્તાન સાથે સંપર્ક કરવાની માગણી પણ કરી હતી. શનિવારે 8 મહિના પછી રાજેન્દ્ર સિંહ નેગીનો પાર્થિવ દેહ મળી આવ્યો હતો જે પછી બધી શંકાઓ પર પૂર્ણવિરામ મુકાયું હતું.

બરફ પીગળી તો શબ ઊપર આવ્યો

મળી રહેલી માહિતી અનુસાર, કશ્મીરમાં હાલના દિવસોમાં તાપમાન વધવા લાગ્યું છે, જેના કારણે બરફ પીગળી રહી છે. આ કારણ છે કે બરફમાં દબાયેલા જવાનનો પાર્થિવ દેહ ઉપર આવી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જવાનના પારથિવ શરિરને પોલીસે બારામુલા જિલ્લા હોસ્પિટલના લાશઘરમાં રાખ્યો છે. હવે બધી ઔપચારીક્તાઓ પુરી થયા પછી જવાનનો દેહ તેમની બટાલિયનને સોંપવામાં આવશે. જ્યાંથી પુરા સૈન્ય સમ્માન સાથે શહીદના દેહને બે દિવસ બાદ પરિજનોને સોંપવામાં આવશે.