કોરોનાની બીજી લહેરમાં ઉત્તર પ્રદેશમાં યોજાયેલ પંચાયતોની ચૂંટણીના પરિણામ ભલે આવી ગયા પણ તેની જે બીજી અસર દેખાઇ તે ખૂબ જ ભયાનક છે. આ ચૂંટણીમાં ફરજ બજાવનારા 2 હજાર કર્મચારીઓના મોત થયા છે જેમાં 700થી વધુ શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 15થી 29 એપ્રિલ દરમિયાન પંચાયતોની ચૂંટણીઓ યોજાઇ હતી અને 5 મે ના રોજ તેના પરિણામો જાહેર થયા હતાં. ચૂંટણી સભાઓ અને પરિણામો દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા કોરોનાનું સંક્રમણ વધ્યું અને અનેકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 

કર્મચારીઓના મોત મામલે ઉત્તર પ્રદેશ કર્મચારી સંઘ સંયુક્ત પરિષદે દાવો કર્યો છે કે પંચાયતોની ચૂંટણીઓમાં બજાવનારા બે હજારથી વધુ લોકોના મોત થયા છે. જેમાં બે 700 જેટલા શિક્ષકોના પણ મોત થયા હોવાનો દાવો ઉત્તર પ્રદેશ કર્મચારી સંઘ સંયુક્ત પરિષદના અધ્યક્ષ હરિ કિશોર તિવારીએ કર્યો છે. 

ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષક સંઘના અધ્યક્ષ ડો. દિનેશચંન્દ્ર શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા એવા શિક્ષકના નામની યાદી જાહેર કરવામાં આવી હતી જેઓનું મોત પંચાયતની ચૂંટણીઓમાં ફરજ દરમિયાન કોરોનાનું સંક્રમણ લાગતા થયું છે. ઉત્તર પ્રદેશ કર્મચારી સંઘ સંયુક્ત પરિષદે 10 પાનાનો એક પત્ર અને તેની સાથે મૃતક શિક્ષકોના નામની યાદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોકલ્યો છે. તેમજ કોરોનાને કારણે મોતને ભેટેલા આ શિક્ષકોના પરિવારજનોને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ માંગણી કરવામાં આવી છે.