મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ  વિશ્વમાં કોરોનાનું સંક્રમણ તાંડવ મચાવી રહ્યું છે ગુજરાતમાં ૧૬૫ કેસ કોરોનામાં કેસ પોઝિટિવ આવ્યા છે સાબરકાંઠામાં પ્રથમ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા અને મેડિકલ ક્વાર્ટર્સમાં રહેતા બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ભય ફેલાયો છે બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સાથે કામ કરતા ૨૩ લોકોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. નરેન્દ્રસિંહ નામનો બ્રધર મૂળ રાજસ્થાનનો વતની છે. હિંમતનગર સિવિલમાં ફરજ બજાવતા યુવકનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. બ્રધર રહેતો હતો તે બી-૨ બ્લોકના રહીશોને ક્વોરેન્ટાઈન કરી દીધા છે અને બ્લોક કરી દીધો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલને તાબડતોડ સૅનેટાઇઝ કરવાની કામગીરી હાથધરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના નવા ૧૯ કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં જ નવા 13 કેસ છે જે સાથે અમદાવાદમાં 77 કેસ થયા છે અને ગુજરાતમાં કુલ 165 કેસ થયા છે. આ ઉપરાંત ભાવનગરમાં 14, સુરતમાં 19, રાજકોટમાં 10,વડોદરામાં 12 અને ગાંધીનગરમાં 13 નવા કેસ નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠામાં એક કેસ પોઝિટિવ નોંધાતા હવે ગુજરાતની સ્થિતિ વધુ વણસી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવતા અને રાજસ્થાનના નરેન્દ્રસિંહ ૩૩ વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે પરંતુ તેને કઈ રીતે પોઝિટિવ આવ્યો તેની તપાસ શરૂ કરાઈ છે. આ યુવકના સંપર્કમાં ૨૩ લોકો આવ્યા છે, તમામને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ આવેલો યુવક હિંમતનગર સિવિલ આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હવે જિલ્લાની તમામ ટીમ હરકતમાં આવી ગઈ છે. હાલ આરોગ્ય તંત્ર લોકલ ચેપ લાગ્યો હોવાનું નકારી રહ્યું છે.
 
સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હિંમતનગર સિવિલમાં સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવતો નરેન્દ્ર સિંહ પોતાની માલિકીની એમ્બ્યૂલન્સ મારફતે વર્ધી પણ મારતો હોવાની ચર્ચા ચાલી રહી છે અને એમ્બ્યુલન્સ વર્ધી દરમિયાન કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યા પછી તેને ચેપ લાગ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
 
પાટણમાં ૩ લોકો કોરોના પોઝિટીવ 

પાટણમાં કોરોનાનાં કુલ 3 નવા કેસ પોઝિટિવ સામે આવતા હાહાકાર મચી ગયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના 3 યુવકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેના કારણે ગામમાં હાલ ડરનો માહોલ બનેલો છે. એવું કહેવાઈ રહ્યું છે કે સિદ્ધપુરના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં હતા. આ સાથે જ હવે પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક કુલ 5 પર પહોંચી ગયો છે. સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.