મેરાન્યૂઝ નેટવર્ક.ઇડર: ઇડર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાઈક ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડી, સમગ્ર ઉત્તર ગુજરાતના બાઈક ચોરીના ૧૨ જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઝડપાયેલા આરોપીઓએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા તથા અરવલ્લીમાંથી બાઈકોની ઉઠાંતરી કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે ૧૨ બાઈક રિકવર કરી ત્રણે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી છે.

ઈડર પોલીસ સ્ટેશનના પી.આઈ વાઘેલા ટીમ સાથે ભિલોડા ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા. તે વખતે એક ત્રિપલ સવારી બાઈક શંકાસ્પદ હાલતમાં નિકળ્યું હતું. જેથી પોલીસે બાઈકને ઉભુ રખાવી, બાઈકના કાગળો માગ્યા હતા. પરંતુ બાઈક સવાર પાસે બાઈકને લગતા આર.સી.બુક સહિતના કોઈ કાગળ નહોંતા. વળી તેઓના જવાબ પણ શંકા ઉપજાવે તેવા હોઈ, પોલીસ ત્રણેયને પોલીસ મથકે લઈ આવી હતી. બાદમાં ત્રણેની કડકાઈભરી પુછતાછમાં ઝડપાયેલ બાઈક ઇડરમાંથી ચોરાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી પોલીસે આ લોકો રીઢા બાઈક ચોર હોવાનું માની વધુ આકરી પુછતાછ કરતાં, તેઓએ ઉત્તરગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ, બનાસકાંઠાના દાંતા, પાલનપુર, અંબાજી તથા વડગામા, અરવલ્લીના શામળાજી તેમજ સાબરકાંઠાના ઇડર, પ્રાંતિજ અને હિંમતનગરમાંથી મળી ૧૨ બાઈક ચોર્યા હોવાની કબુલાત કરી હતી. સાથે જ આ ચોરીની બાઇકો તેઓના વતન રાજસ્થાનમાં હોવાની જાણકારી આપી હતી. આ જાણકારી બાદ પોલીસે ઇડરથી ઝડપાયેલ બાઈક સહિત રાજસ્થાન જઈ તમામ ૧૨ બાઈક રિકવર કરી સમગ્ર ઉત્તર ગુજરાતના બાઈક ચોરીના ૧૨ જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે વાહન ચોરીના હજુ વધુ ગુના ઉકેલવાની આશાસાથે ત્રણે આરોપીના રિમાન્ડ મેળવવા તજવી જ આરંભી છે.