મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગત તારીખ 15 એપ્રિલથી શહેરમાં આઈ-વે પ્રોજેક્ટ અંતર્ગત લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. આ કેમેરાનો ઉપયોગ ગુનાખોરી રોકવા માટે કરવામાં પોલીસ મહદઅંશે નિષ્ફળ નિવડી છે. પરંતુ આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં પોલીસે કોઈ કચાશ રાખી નથી. માત્ર 11 દિવસમાં જ આ પ્રોજેકટ હેઠળ 1000 કરતા વધુ ચલણ મોકલી દેવામાં આવ્યા છે. જો કે આ ચલણ મુજબનો દંડ વસુલવામાં પણ પોલીસને ખાસ સફળતા મળી નથી. અને વસુલવાની થતી રૂપિયા 6 લાખથી વધુની રકમ સામે માત્ર રૂપિયા 1 લાખની જ વસુલાત થઈ છે. એટલું જ નહીં હવે જો વાહન ચલાવતા સમયે કાનમાં હેન્ડ્સફ્રી હશે તો તેવા ચાલકે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કર્યો ગણાશે. તેમજ આ માટે પ્રથમ વખત ઝડપાનાર માટે રૂપિયા 1000 અને બીજી વખત ઝડપાનાર માટે રૂપિયા 2000 દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકારના સેફ એન્ડ સિક્યોર કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આઈ-વે પ્રોજેકટ કાર્યરત છે. આ પ્રોજેક્ટ હેઠળ ગત તારીખ 15થી શહેરમાં ટ્રાફિકના નિયામોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને સીસીટીવી કેમેરા દ્વારા ઇ ચલણ મારફતે દંડ ફટકારવાનું શરૂ કરાયું છે. જેમાં તારીખ 15 થી 26 દરમિયાન ચાલુ વાહને મોબાઈલમાં વાતચીત કરવાના 619, ત્રણ સવારીના 346 અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાના 110 સહિત કુલ 1085 ચલણ મોકલવામાં આવ્યા છે. આ ચલણોની દંડની કુલ રકમ રૂપિયા 6,88,000 છે. પરંતુ તા. 26 સુધી માત્ર રૂપિયા 1,02,300નો દંડ વસુલ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થીઓની વાન ટ્રેન સાથે અથડાતા વિદ્યાર્થીઓના મોત થયાની ગંભીર ઘટના બાદ હવે ગુજરાતમાં પણ વાહન ચલાવતી વખતે કાનમાં હેન્ડ્સફ્રી લગાવેલી હોય તેવા ચાલકે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કર્યો ગણાશે. તેમજ આ માટે પ્રથમ વખત ઝડપાનાર માટે રૂપિયા 1000 અને બીજી વખત ઝડપાનાર માટે રૂપિયા 2000 દંડની જોગવાઈ કરવામાં આવી છે.