મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ અમેરિકામાં વધુ બે ગુજરાતી યુવકો પર લૂંટના ઈરાદે ગોળી ચલાવી તેમની હત્યા નીપજાવી દેતા ચકચાર મચ છે. આ બંને યુવાો ગુજરાતના મહેસાણા સ્થિત ભટાસણ અને ખરણા ગામના હોવાનું બહાર આવ્યું છે. અમેરિકાના સાઉથ કેરોલીનામાં આવેલા એક પેટ્રોલ પમ્પના સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા છે આ ઘટના ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે યુવકોની હત્યા અંગે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

મહેસાણાના કડી તાલુકામાં આવેલા ભટાસણ અને માણસાના ખરણા ગામના ચિરાગ પટેલ અને કિરણ પટેલ અમેરિકામાં સ્થાયી થયા હતા. મળતી માહિતી મુજબ બંને યુવકો સાઉથ કેરોલીનાના કન્વિનીયન્સ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન અશ્વેતો આવ્યા હતા. તેમણે અહીં લૂંટ મચાવી હતી જેને કારણે પેટ્રોલ પંપ ખાતે તેમની વચ્ચે છુટ્ટા હાથની મારામારી થાય છે અને તે પછી પ્રતિકાર કરવા જતાં અશ્વેત શખ્સે બંદુક કાઢી ગોળીઓ ચલાવી દીધી હતી. યુવક જીવ બચાવવા ભાગે છે પરંતુ તેનું મોત નિપજે છે. આ પેટ્રોલપંપ યુએસ હાઈવે નં. 78 પર આવેલો છે.