દિવ્યકાંત ભટ્ટ (મેરાન્યૂઝ.એટલાન્ટા-અમેરિકા): અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે શનિવારે સર્વોત્તમ યજ્ઞ સાથે મહાપ્રભુજીના પ્રાગટ્યોત્ત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠ યુવરાજ વૈષ્ણ‌વાચાર્ય આશ્રયકુમારના સાંનિધ્યમાં યોજાયેલા મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવમાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સર્વોત્તમ યજ્ઞ વેળા અચાનક જ મેઘકૃપા થતાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.

સમગ્ર જ્યોર્જિયા સ્ટેટમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી ગોકુલધામ હવેલી ખાતે મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવની ઉજવણીનું ‌ભવ્ય આયોજન કરાયું હતું. વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સર્વોત્તમ યજ્ઞનો મનોરથ યોજાયો હતો. યજ્ઞમાં આશ્રયકુમાર ઉપરાંત 25 વૈષ્ણ‌વ પરિવારોએ ભાગ લીધો હતો. શાસ્ત્રી ધવલકુમાર દ્વારા સર્વોત્તમ યજ્ઞનો મહિમા વર્ણવી પુષ્ટિસંપ્રદાયની પરંપરા મુજબ યજ્ઞ સંપન્ન કરાયો હતો.

સર્વોત્તમ યજ્ઞ બાદ ગોકુલધામના પ્રાંગણમાં મહાપ્રભુજીની નયનરમ્ય મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી કિર્તન-પદના ગાન સાથે મહાપ્રભુજીની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં કિર્તન-મંડળીની બહેનોએ કિર્તન-પદની રમઝટ બોલાવતાં ભક્તિનો માહોલ છવાયો હતો.

શોભાયાત્રાના સમાપન સાથે હવેલીના જગતગુરુ હોલમાં ગોકુલધામ વિદ્યાલયના બાળકોએ મહાપ્રભુજીના જીવનચરિત્રને ઉજાગર કરતી પ્રદર્શની રજૂ કરી આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે આશ્રયકુમારજીના હસ્તે મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવના મુખ્ય મનોરથી તુષારભાઇ અને કામિનીબહેન પટેલનું બહુમાન કરાયું હતું.

મહાપ્રભુજીના પ્રાગટ્યપર્વ નિમિત્તે ગોકુલધામમાં બિરાજમાન શ્રીનાથજી સ્વરૂપ ઠાકોરજી અને કલ્યાણરાય પ્રભુને લાડ લડાવવા નંદ મહોત્સવનો મનોરથ યોજાયો હતો. આશ્રયકુમારજીએ ઠાકોરજીને પરણામાં ઝૂલાવતાં શ્રદ્ધાળુઓએ નંદ ઘેર આનંદભયોના ગાન સાથે દર્શન ચોક ગજવી દીધો હતો.

ગોકુલધામમાં આયોજિત મહાપ્રભુજીના પ્રાગટ્યોત્ત્સવની ઉજવણીને ભવ્ય અને દિવ્ય બનાવવા ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ કિન્તુ શાહ, હેતલ શાહ, સમીર શાહ, નિકશન પટેલ, અલકેશ શાહ, જીગર શાહ, ગિરીશ શાહ, કેતુલ ઠાકર-દીપ ઠાકર તેમજ મહાપ્રસાદ સેવામાં ભાનુબહેન પટેલ, હસુભાઇ પટેલ, રંજનબહેન સિરોયા, સોહિનીબહેન-પ્રકાશ પટેલ અને અશ્વિન પટેલે જહેમત ઉઠાવી હતી.