મેરાન્યૂઝ નેટવર્ક.અમેરિકાઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. લૂંટના ઈરાદે થયેલી આ હત્યામાં મહેસાણાના કડી તાલુકાના ભટાસણ ગામના વતનીએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં ગેસ સ્ટેશનના ક્લાર્ક (કારકૂન) તરીકે કામ કરતાં યુવકની રવિવારે બપોરે હત્યા કરી દેવામાં આવી છે. આ શહેરમાં આ ચોથો હત્યાકાંડ છે જેની પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત આ ગામના જ એક યુવકની થોડા વખત પહેલા પણ અમેરિકામાં હત્યા કરી દેવામાં આવી હતી. ગામ માટે થોડા જ સમયમાં વધુ એકની હત્યાની ઘટના આઘાતજનક છે. હાલ પરિવાર સહિતના લોકો અહીં તેમના પરિજનોને શાંત્વના આપવા આવી પહોંચ્યા છે. 

અમેરિકાના જ્યોર્જિયા ખાતે આ ઘટના બની હતી. વોર્નર રોબિન્સ પોલીસ વિભાગ દ્વારા મીડિયાને અપાયેલી જાણકારી પ્રમાણે, અધિકારીઓને 700 રશેલ પાર્કવે ખાતેની એક્સપ્રેસ શોપ પર રવિવારે 5.30 વાગ્યે બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓના કહ્યા પ્રમાણે, લૂંટ દરમિયાન ક્લાર્કને ગોળી વાગી હતી અને બાદમાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. શખ્સ અહીંથી રોકડ લઈને ફરાર થઈ ગયો છે. આ ઘટના જ્યારે બની ત્યારે સ્ટોરમાં ગ્રાહકો અને એક અન્ય કર્મચારી પણ ત્યાં હાજર હતો પરંતુ અન્ય કોઈને ઈજા પહોંચી નથી.

આ ઘટનામાં મહેસાણાના કડી તાલુકાના ભટાસણ ગામના વતની નવનીતભાઈ મણીભાઈ પટેલ (ઉં. 48 વર્ષ અંદાજે)ની હત્યા થઈ છે. તેઓ અમેરિકામાં લાંબા સમયથી સ્થાઈ થયા હતા. અહીં તેઓ પોતાની પત્ની તથા પુત્ર સાથે રહેતા હતા. જોકે આ ઘટનામાં પોલીસને હજુ કોઈ કળી હાથ લાગી નથી પરંતુ પોલીસ શખ્સને પકડી પાડવા માટે સજ્જ થઈ છે. બીજી તરફ આ જ શહેરમાં આવી ઘણી ઘટનાઓ ઘટી છે જેમાં આ જ વર્ષે બનનારી આ ચોથી ઘટના છે. જે પોલીસ માટે શરમજનક બાબત કહી શકાય તેમ છે.